હળવદમા બે દિવસ પહેલાં નર્મદા કેનાલમાં ડૂબી ગયેલ મહિલાની લાશ મળી આવી

- text


પરિવારજનોની માંગને લઈ લાશનું ફોરેન્સિક પીએમ કરાશે

હળવદ : હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ગુરુવારે બપોરના સમયે હળવદમાં જ રહેતી મહિલા ડૂબી ગઈ હોવાને લઈ તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી.તેવામાં આજે આ મહિલાની લાશ મળી આવી છે. જોકે પરિવારજનોની માંગણીને લઇ લાશને ફોરેન્સિક પીએમ કરવા માટે રાજકોટ મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના સારા રોડ ઉપર રહેતા મંજુબેન મનોજભાઈ પરમાર ઉંમર વર્ષ 27 ગુરૂવારના બપોરના 12 વાગ્યાની આસપાસ શહેરમાંથી પસાર થતી પરિશ્રમ હોટલ પાછળની ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ડૂબી ગયા હોવાને લઈ હળવદ પાલિકાને જાણ કરાઈ હતી.

- text

જેથી હળવદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાની શોધખોળ હાથ ધરી હતી જોકે મોળી સાંજ સુધી પણ મહિલાનો કોઈ જ પતો ન મળતા મોરબીની ટીમને પણ બોલાવવામાં આવી હતી અને બંને ટીમો દ્વારા કેનાલમા તપાસ હાથ ધરાઈ હતી તેવામાં આજે બે દિવસ બાદ આ મહિલાની લાશને નર્મદા કેનાલ માંથી બહાર કાઢવામાં આવી છે. પરિવારજનોની માંગને લઈ મૃતક મહિલાની લાશનું ફોરેન્સિક પીએમ રાજકોટ ખાતે કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

- text