મોરબી જિલ્લામાં શ્રમિકોને 5 રૂપિયાનું ટિફિન પસંદ નથી

- text


સરકારની અન્નપૂર્ણા યોજનાના ટિફિન માટે લાભાર્થીઓ ન મળતા સેન્ટર હોલ્ટ ઉપર મુકાયા

મોરબી : મોરબી સહીત સમગ્ર રાજ્યમાં ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા માત્ર રૂપિયા 5માં ટિફિન સેવા પુરી પાડતી અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી છે, જો કે, સીરામીક સીટી મોરબીમાં સરકારની આ યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો છે અને મંજુર થયેલા છ પૈકી 3 ટિફિન સેન્ટરને તો શ્રમિક લાભાર્થીઓની પૂરતી સંખ્યા ન થતા તાળા મારવા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે, વધુમાં રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં એક વાંકાનેર અને પાંચ ટિફિન કેન્દ્ર મોરબી ખાતે શરૂ કરવામાં આવ્યા છે જેમાં લીલાપર રોડ, કેસરબાગ અને મહેન્દ્રનગર ખાતે આવેલ ટિફિન કેન્દ્ર ખાતે લાભાર્થીઓની પૂરતા પ્રમાણમાં સંખ્યા ન થતી હોય આ સેન્ટરને હાલમાં હોલ્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબી શ્રમ અને રોજગાર વિભાગના શ્રમ કલ્યાણ બોર્ડના પ્રોજેક્ટ ઓફિસર હરેશભાઇ પરમારના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં હાલમાં ગાંધી ચોક અને ઉમિયા સર્કલ તેમજ વાંકાનેરનું એક મળી કુલ ત્રણ ટિફિન કેન્દ્ર ચાલુ છે જેમાં બાંધકામ સાઈટ ઉપર કામ કરતા શ્રમિકોને પાંચ રૂપિયામાં ટિફિન આપવામાં આવે છે, મોરબી જિલ્લામાં હાલમાં આ યોજના માટેના રસોડા ન હોય ભોજન રાજકોટથી મોરબી પહોંચાડવામાં આવતું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

- text

વધુમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિક તથા તેના પરિવારને માત્ર પાંચ રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સાથે જ સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે.જો કે, મોરબીમાં ત્રણ કેન્દ્ર ઉપર 25 જેટલા પણ લાભાર્થીઓ થતા ન હોવાની સાથે બપોરના સમયે સેવાભાવી સંસ્થા તરફથી ગરમાગરમ ભોજન આપવામાં આવતું હોય શ્રમિકો અન્નપૂર્ણા સેવા કેન્દ્રના ટિફિન લેવા આવતા ન હોવાનું પણ પ્રોજેક્ટ ઓફિસર હરેશભાઇ પરમારે અંતમાં જણાવ્યું હતું.

- text