ટંકારાના ટોળ ગામે તા.22મીએ સાંસદના હસ્તે પુસ્તકાલયનું લોકાર્પણ

- text


ગ્રામજનોને વિવિધસભર વિષયોનાં 1000 જેટલાં પ્રેરણાદાયી પુસ્તકો વાંચવા મળશે

ટંકારા : મહાત્મા ગાંધીના મૂલ્યો-વિચારોથી પ્રેરિત, સર્વ ધર્મ સમભાવ ધરાવતા ક્રાંતિકારી લોકસંત અને લોકસેવક જૈન મુનિ સંતબાલજીની જન્મભૂમિ એવા ટંકારાના ટોળ ગામે આવતીકાલે 22 જૂનના રોજ ગ્રામ પંચાયત ખાતે મુનિ સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલયનું સાંસદ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા માન્યતા-પ્રાપ્ત, અનુદાનિત તથા ટોળ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત મોરબી જિલ્લાના સહુપ્રથમ આ વિશિષ્ટ પુસ્તકાલયનું લોકાર્પણ 22 જૂન 2024 ને શનિવારના રોજ બપોરે 3 કલાકે રાજકોટ લોકસભા સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવશે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા, ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, ગુજરાત્ત રાજ્યના ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામીની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.

- text

નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની પ્રેરણા-પરિકલ્પનાથી આ પુસ્તકાલયની સ્થાપના થઈ છે. વીટુ ટેક વેન્ચર્સ પ્રા. લિ. (વાશી, નવી મુંબઈ) – વિજયભાઈ શાહ, જયવંત દેસાઈના સી.એસ.આર. ફંડનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

ગુજરાતી ભાષા-સાહિત્યના કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, ચિંતન, લોકસાહિત્ય જેવાં વિવિધસભર વિષયોનાં 1000 જેટલાં પ્રેરણાદાયી પુસ્તકોનું સુયોગ્ય ચયન કરીને અહીં મૂકાયાં છે. મેઘાણી-સાહિત્ય કોર્નર, ગુજરાતી ભાષા-સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની ઉત્તમ કૃતિઓ તેમજ નવયુવાનો માટે સ્પર્ધાત્મક પુસ્તકો આ પુસ્તકાલયની વિશેષતા છે.

- text