ઝૂલતાપૂલ દુર્ઘટનામાં અધિકારી – પદાધિકારીઓ સામે શું પગલાં લીધા ? હાઇકોર્ટનો વેધક સવાલ 

- text


સીટની તપાસ બાદ એક્શન ટેકન રિપોર્ટ કેમ નહીં : ઝૂલતા પુલ દુર્ઘટના કેસની તપાસ સીબીઆઈને સોંપવા પણ માંગ 

મોરબી : રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ અનેક અધિકારીઓ જેલભેગા થયા છે ત્યારે મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી દુર્ઘટનામાં એક પણ અધિકારી સામે પગલાં લેવામાં ન આવ્યા હોય હાઇકોર્ટે વેધક સવાલો ઉઠાવી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં અધિકારી – પદાધિકારીઓ સામે શું પગલાં લીધા, સીટની તપાસ બાદ એક્શન ટેકન રિપોર્ટ કેમ નહીં સહિતના સવાલો ઉઠાવતા આવનાર દિવસોમાં ઝૂલતાપૂલ દુર્ઘટનામાં છટકી ગયેલા અધિકારીઓ અને જવાબદાર પદાધિકારીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવે તેવા સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યા છે.

135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં અરજદાર દિલીપ ચાવડા દ્વારા સમગ્ર મામલે સીબીઆઈને તપાસ સોંપી નવેસરથી તપાસ કરવામાં આવે તેવી માંગ કોર્ટ સમક્ષ કરી અરજી કરી હતી. અરજદારે મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ, ચાર્જશીટને રદ કરી સીબીઆઈ કે સમક્ષ એજન્સીને નવેસરથી તપાસ સોંપવા કરાઈ માંગ હતી. વધુમા ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં ત્યાં કોઈ તપાસ કે ડોક્યુમેન્ટ્સ જપ્ત નથી કરવામાં આવ્યા તેવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા અને કેસની તપાસ યોગ્ય દિશામાં ન થઈ રહી હોવાની અને એકતરફી તપાસ થઈ રહી હોવાનો અરજીમાં આક્ષેપ કરાયો હતો.

- text

બીજી તરફ અગાઉ હાઇકોર્ટે મંગાવેલા સૂચનોમાં પીડિતો વતી એડવોકેટ સોગંદનામુ રજૂ કરાયું હતું જેમાં કાયમી વિકલાંગ થયા છે તેમને ૫૦ લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ૨૦ લાખના વળતરની માંગ કરાઇ હતી.સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એડવોકેટ જનરલને અનેક સવાલો કર્યા હતા જેમાં સરકારની કામગીરી સામે હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે એસઆઇટીનો રિપોર્ટ આવ્યા બાદ સરકારે શુ પગલાં લીધા? 9 ઓક્ટોમ્બર 2023ના રોજ એસઆઈટીનો રિપોર્ટ આવ્યો છે પરંતુ હજુ સુધી એક્શન ટેકન રિપોર્ટ પણ આવ્યો નથી ત્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાઇકોર્ટમાં ખાતરી આપતા કહ્યું હતું કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે હાઇકોર્ટ રાજ્યના ચીફ સેક્રેટરીને રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશો આપ્યા હતા.

વધુમાં ઝૂલતાપૂલ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સીટની તપાસ બાદ એક્શન ટેકન રિપોર્ટ આપવામાં ન આવ્યો હોવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. 135 લોકોના મૃત્યુ મામલે વહીવટી વિભાગની બેદરકારી અને અધિકારીઓને બેદરકારી ઉપરાંત ચીફ ઓફિસરની કામગીરી અંગે પણ ખુલાસો હાઇકોર્ટે માંગ્યો છે. તો બીજી તરફ ઓરેવા કંપની તરફથી આપવામાં આવતા વળતર મામલે પણ હાઇકોર્ટની જાણ કરાઈ હતી અને કહ્યું હતું કે પીડિતોને આપવામાં આવતી નાણાકીય સહાય માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. ત્યારે હાઇકોર્ટે ઓરેવા પાસે ટ્રસ્ટ ડીડ અંગે પણ ખુલાસો માંગી નક્કી કરવામાં આવેલા નિયમો અંગે પણ ઓરેવા કંપનીને અનેક સવાલો કર્યા હતા જેમાં તમામ નાણાકીય વ્યવહાર હવે આ ટ્રસ્ટ માધ્યમથી જ કરવામાં આવશે તેવું રેવા કંપનીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું. કોર્ટે સરકારને ચાર સપ્તાહમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ જારી કર્યા છે આ સમગ્ર કેસમાં વધુ સુનાવણી ચાર સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે ત્યારે આગામી દિવસોમાં ઝૂલતાપૂલ દુર્ઘટના મામલે કડાકાભડાકાના એંધાણ મળી રહ્યા છે.

- text