પાણી માટે આક્રોશ : હળવદમા સાંસદ શિહોરાના અભિવાદન સમારંભ સ્થળે ખેડૂતોનો ઘેરાવ

- text


બ્રાહ્મણી-૨ ડેમમાંથી સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોની ધીરજ ખૂટી : સત્કાર સમારોહ એકાદ કલાક મોડો શરૂ થયો 

https://youtube.com/shorts/BU8Qlq6N758?si=c_skdfdXfncefl5v

15 દિવસથી ડાંડે ચડ્યા છે,બાજુમાં ડેમ છે છતાં અમારે ખારું પાણી પીવાનું જ્યારે અન્ય જિલ્લાઓને મીઠું પાણી આપે છે

હળવદ : તાજેતરમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હળવદ તાલુકાના કેદારીયા ગામના ચંદુભાઈ સિહોરાનો આજે હળવદ શહેર ભાજપ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આયોજન દરમિયાન ખેડૂતોએ સિંચાઈના પાણીના પ્રશ્નનને લઈ સાંસદ સભ્ય સહિતના આગેવાનોને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

હળવદના બ્રાહ્મણી-બે ડેમમાંથી પાછલા દસેક દિવસથી ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી રહ્યા છે જોકે નેતાઓ ખેડૂતોની રજૂઆતો ધ્યાને ન લેતા આજે આખરે ખેડૂતો વિફર્યા હતા. અને સાંસદ ચંદુભાઈ સિહોરાના અભિવાદન સમારોહમાં દોડી ગયા હતા અને જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા. જેથી અભિવાદન સમારોહ એકાદ કલાક મોડો ચાલુ થયો હતો અને ખેડૂતોને કાર્યક્રમ પત્યા બાદ રજૂઆત સાંભળવા આગેવાનોએ સમજાવટ કરી હતી.

- text

જોકે કાર્યક્રમ પતી ગયા બાદ પણ ખેડૂતોને ન સાંભળતા ખેડૂતો વિફર્યા હતા અને સંસદ સભ્ય અને ધારાસભ્ય સહિતના આગેવાનોને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરી સિંચાઈ માટે પાણી આપવા માંગ કરી હતી. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે ડેમને કાંઠે રહીએ છીએ સિંચાઈના પાણીની વાત તો દૂર પીવાનું પાણી પણ ખારું મળે છે જોકે જામનગર અને દ્વારકા ને આજ ડેમમાંથી મીઠું પાણી આપવામાં આવે છે.

અભિવાદન સમારોહમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા,જીતુભાઈ સોમાણી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text