મોરબી પાલિકા દ્વારા શહેરમાં ગાબડાં પુરવાનું શરૂ

- text


શહેરના તમામ મુખ્ય રસ્તાઓ ઉપર પેચ વર્ક કરવામાં આવશે

મોરબી : મોરબી શહેરમાં મુખ્ય માર્ગો ઉપર પડેલા ગાબડાઓ પુરવાનું અંતે પાલિકાએ મુહૂર્ત કઢાવી લાંબા સમય બાદ પેચવર્ક શરૂ કર્યું છે, મોરબી નગરપાલિકાના પવડી વિભાગે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ ઉપર પેચવર્ક કરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.

ચોમાસા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા ગાંધી ચોકથી વિજય ટોકીજ, તખ્તસિંહજી રોડ અને ત્યાંથી એસડીએમ બંગલા સુધી રોડ રસ્તામાં પડેલા ખાડાઓ પુરવા માટે પેચવર્ક કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને હવે નટરાજ ફાટકથી પરશુરામ પોટરી સુધી, નટરાજ ફાટકથી એલ.ઈ કોલેજ ગેટ સુધી, ગાંધી ચોક પાસે તેમજ જુના સ્મશાન લીલાપર રોડથી આલાપ પાર્ક સુધી તેમજ શહેરના મુખ્ય તમામ રસ્તા ઉપર પેચ વર્ક કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરમાં છેલ્લા લાંબા સમયથી રોડ રસ્તાના કામો કરવામાં આવ્યા નથી ત્યારે લોકસભા ચૂંટણીની આચાર સંહિતા ઉઠ્યા બાદ મોરબી પાલિકાએ મોડે મોડેથી શહેરના તૂટેલા રસ્તો નવા બનાવવાને બદલે પેચવર્કના કામ શરૂ કર્યા છે ત્યારે આ પેચવર્કના થીગડાં કેટલો સમય સુધી ટકે છે તે જોવું રહ્યું.

બીજી તરફ રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે આચાર સંહિતા હત્યાના પંદર દિવસ બાદ ઉતાવળે આંબા પકાવવા ઉક્તિની માફક મોરબી પાલિકાએ હાલમાં તૂટેલા રસ્તાઓ નવા બનાવવાને બદલે થાગડ થીગડ માટે પેચવર્ક શરૂ કર્યું છે ત્યારે આ થૂંકના સાંધા જેવા થીગડાં ચોમાસાના વરસાદનો માર ખમી શકશે કે પછી ગાબડાનો ખર્ચ પાણીમાં તણાઈ જશે તે તો આવનારો સમય બતાવશે.

- text

- text