ધારાસભ્ય અમૃતિયાએ કેનાલની રૂબરૂ મુલાકાત લઈ બકનળીઓ હટાવડાવી

- text


22 જૂન સુધીમાં બ્રાહ્મણી ડેમમાં પણ પાણી પહોંચી જશેઃ કાંતિભાઈ અમૃતિયા

મોરબી : ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ મોરબી જિલ્લામાં કેનાલમાં પાણી આગળ વધતું ન હોય ખેડૂતોને પાણી ન મળી રહ્યું હોવાની ફરિયાદ સામે આવી હતી. જેથી તુરંત જ એક્શન મોડમાં આવીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજે સવારથી જ રૂબરૂ કેનાલની મુલાકાત લીધી હતી. છેક ઢાંકી પમ્પિંગ સ્ટેશન સુધી તેઓ તપાસ માટે નીકળ્યા છે. ધારાસભ્યની રૂબરૂ મુલાકાતને લઈને સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક કેનાલ પર લગાવવામાં આવેલી બકનળીઓ હટાવી લેવામાં આવી હતી

- text

નવા ઘાંટીલાથી પાણી આગળ વધી રહ્યું ન હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે આજે સવારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કાર્યકરો સાથે કેનાલ પર પહોંચ્યા હતા. ધારાસભ્યની રૂબરૂ મુલાકાતથી સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા હતા અને 60 જેટલા અધિકારીઓની ટીમ કેનાલ પર પહોંચી હતી. આ ઉપરાંત એસઆરપી જવાનોને પણ કેનાલ પર બંદોબસ્ત માટે મૂકી દેવામાં આવ્યા છે. આ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મુલાકાત બાદ કેનાલ પર લાગેલી ઘણી બધી બકનળીઓ હટાવી લેવામાં આવી છે. જેના કારણે જુના ઘાંટીલાથી પાણી આગળ વધી રહ્યું છે. હવે એક કલાકમાં એક કિલોમીટર પાણી આગળ વધી રહ્યું છે. 22 જૂન સુધીમાં બ્રાહ્મણી ડેમમાં પણ પાણી પહોંચી જશે અને મચ્છુ-2 ડેમમાં પણ પાણીની જરૂરિયાત હશે તો છોડવામાં આવશે.

- text