હળવદના ઇસનપુર ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા કરે છે ડબલ કમાણી

- text


રાજ્યપાલના વીડિયો દ્વારા મેળવ્યું માર્ગદર્શન

હળવદ : હળવદ તાલુકાના ઈસનપુર ગામનાં ખેડૂત છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું હાલ તેઓ ઓનલાઇન વેંચાણ કરી બમણી કમાણી કરવાની સાથે સાથે આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

હળવદ તાલુકાના ઇસનપુર ગામના ખેડૂત રણછોડભાઈ કણઝરીયાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે થયેલ અનુભવો અંગે જણાવ્યું હતું કે, અમારા હળવદ તાલુકાના મુખ્ય પાકો એટલે ખરીફ પાકમાં કપાસ અને રવી પાકોમાં ઘઉં તથા વરીયાળી અને જીરૂનો સમાવેશ થાય છે. અમારા વિસ્તારમા લગભગ મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા. વર્ષો પહેલા કપાસ પાકનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં એક એકરે વધારે ઉત્પાદન મળતુ પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ ઉત્પાદન ઘટવા લાગ્યુ. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. કપાસમાં એકરે ઉત્પાદન સાવ ઓછું થવા લાગ્યુ. આવા સમયમાં અમે 5-6 વર્ષ પહેલા અમે બગાયતી પાક્ના વાવેતર કરવાનુ વિચાર્યુ તે સમયે મે ૨ એકરમા લીંબૂનું વાવેતર કર્યુ હતું.

લીંબુના વાવેતરમાં જરૂરીયાત મુજબ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા. પરિણામે ખર્ચ વધવાથી નફો ઓછો મળતો હતો. હું લીંબુના વાવેતરનું અવલોકન કરતો. ત્યારબાદ હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા 4 વર્ષથી જોડાયેલો છું. તેની જુદી-જુદી તાલીમમાં ભાગ લેવા જતો હતો. આ દરમિયાન અમારા તાલુકાના આત્માના સ્ટાફ દ્વારા ગાય આધારીત ખેતી અંગેની તાલીમ યોજાઈ હતી તેમાં મે ભાગ લીધો અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યુ. ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વીડિયો દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું.

શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યુ ત્યારબાદ લીંબુ વાવ્યા તેમાં આંતરપાક તરીકે હળદર, મરચી, મગ, મગફળી, તલનુ વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા. હળદળ, મરચાંનું મુલ્યવર્ધન કરીને તેના પાવડરના પેકિંગ બનાવ્યા, મગના પણ પેકિંગ કરીને વેંચીએ છીએ પરિણામે સિંગલ પાક કરતા આ રીતે આવક વધારે મળવા લાગી. હાલમા જીવામૃતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિન ઉપજાવ બની ગઈ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી હતી. જમીનમાં અળસિયા ઉત્પન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વિજળી ખર્ચમાં પણ બચત થઇ.

- text

જ્યારે ખેતી કામમાં કેમિકલનો ઉપયોગ કરતાં હતા ત્યારે આવક રૂ. 80,000 થતી હતી તેની સામે ખર્ચ રૂ. 40,000 જેટલો થતો હતો જેથી નફો રૂ. 40,000 મળતો હતો. પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી ખેતીની આવક – રૂ. 1,40,000ની થઈ હતી અને ખર્ચ- રૂ. 40,000નો થયો હતો. અને નફો- રૂ. 1,00,000 મળતો થયો હતો આમ, રણછોડભાઈની આવકમાં અઢી ગણો નોંધ પાત્ર વધારો થયો હતો.

પ્રાકૃતિક કૃષિ અંતર્ગત રણછોડભાઇ કણઝરીયાએ આગળ જણાવ્યું હતું કે, મારા 2 એકર ખેતરમાં લીંબુ ચીકુ, સંતરા, મોસંબી, મગ, મરચી તુવેરનો પાક લઉં છું. ખેત ઉત્પાદનના વેચાણ માટે આત્મા પ્રોજેકટના સહયોગથી પ્રાકૃતિક વેચાણ માટેનો સ્ટોલ ચાલુ કરી તેમાં વેંચાણ કરું છું. તેમજ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી જરૂરિયાત મુજબ સીધુ જ વેચાણ ગ્રાહકને કરુ છું. વધારાનું ઉત્પાદન ઓપન માર્કેટમાં વેચુ છું. આમ પ્પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ ઘટવાથી આવક વધારે મળે છે. જમીન સુધરે છે. ફળદ્રુપતામાં વધારા ઉપરાંત પર્યાવરણનું રક્ષણ થાય છે અને લોકોને શુધ્ધ આહાર ખોરાક માટે મળી રહે છે.

- text