ઘરના છોકરા ઘંટી ચાટે…બ્રાહ્મણી-૨ ડેમમાંથી જામનગર સુધી પાણી પહોંચે પણ બાજુના ખેતરોમાં નહીં!

- text


કેનાલ ચાલુ થતા ખેડૂતોએ વાવણી કરી દીધી પાણી ન મળતા ખેડૂતો ડેમ પર એકઠા થયા

હળવદ : હળવદ તાલુકાના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-બે ડેમ પર દસ જેટલા ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે એકઠા થયા છે.અને માંગ કરી રહ્યા છે કે મોંઘા ભાવનું લીધેલું બિયારણ નિષ્ફળ જાય તે પહેલા પાણી આપવામાં આવે.

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે.હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલનું પાણી બ્રાહ્મણી-બે ડેમમાં નાખવામાં આવે છે. જેથી આ ડેમમાંથી પાઈપ લાઈન વડે જામનગર સુધી પાણી પહોંચાડવામાં આવતું હોય છે.પરંતુ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવતા હળવદ તાલુકાના નવા ધનાળા, સુરવદર, મયુરનગર, જુના દેવળીયા,નવા દેવળીયા, પ્રતાપગઢ સહિતના ગામોના ખેડૂતો આજે ડેમ પર એકઠા થઈ સિંચાઈ માટે પાણી આપવા માંગ કરી રહ્યા છે.

- text

વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ડેમમાં 42 મીટરનું લેવલ થાય ત્યારબાદ કેનાલમાં પાણી છોડવામાં આવશે જો કે હાલ ડેમનું લેવલ 41 મીટર છે અને જે ધાંગધ્રા બ્રાન્ચની કેનાલનું પાણી ડેમમાં આવી રહ્યું છે એટલું તો દરરોજ જામનગરને પાણી આપવા ઉપાડી લેવામાં આવે છે જેથી ડેમનું લેવલ વધતું નથી અને અમને સિંચાઈ માટે પાણી આપતા નથી. વધુમાં ખેડૂતો એ પણ જણાવી રહ્યા છે કે ધાંગધ્રા બ્રાન્ચની કેનાલમાં પાણીનો પ્રવાહ વધારવામાં આવે તો અમને સિંચાઈ માટે પાણી મળી શકે તેમ છે.

- text