મોરબીની 500થી વધુ શાળાઓમા ફાયર સેફટી મુદ્દે રવિવારે પણ તપાસનો ધમધમાટ

- text


પ્રાથમિક વિભાગમાં 80 તેમજ માધ્યમિક વિભાગમાં 23 ટીમોએ તમામ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ ફાયર સેફટી ચકાસી

મોરબી : રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હાઇકોર્ટના આદેશ મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે ફરી તમામ શાળાઓમા ફાયર સેફટીના સાધનો અને એનઓસીની તાત્કાલિક તપાસ કરવા આદેશ આપતા આજે રવિવારે રજાના દિવસે પણ મોરબીમાં 100થી વધુ ટીમોએ એક એક શાળાની જાત તપાસ કરી હતી જે સાંજ સુધી ચાલશે.

રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર સાબદુ થયુ છે. ખાસ કરીને રાજ્યની શાળાઓમાં પણ ફાયર સેફ્ટી અંગે કડક હાથે કાર્યવાહી કરાઈ રહી છે. તેવામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીને લઇ આદેશ આપતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અલગ અલગ 100થી વધુ ટીમોને ફાયર સેફટી ચકાસણી માટે મેદાનમાં ઉતારી હોવાનું જાણવા મળે છે.

- text

વધુમાં મોરબી જિલ્લામાં કુલ 500થી વધુ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે ત્યારે પ્રાથમિક વિભાગમાં 80 અને માધ્યમિક વિભાગમાં 23 જેટલી ટીમો ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીની ચકાસણી માટે મેદાનમાં ઉતરી છે અને સાંજ સુધીમાં રિપોર્ટ આવ્યા બાદ 17 જુને સરકારને રિપોર્ટ મોકલનાર હોવાનું જાણવા મળે છે.

- text