ચીફ ઓફિસર મોરબી આવો તો નગર દરવાજે આંટો મારજો ! ફરી ગંદા પાણી ઉભરાયા

- text


મોરબીના નેહરુ ગેઈટ ચોકમાં ફરી ભૂગર્ભની ગંદકી ઉભરાતા શહેરીજનો ત્રાહિમામ

મોરબી : મોરબીના અનેક વિસ્તારોમાં રોડ પર ગટરના પાણી ભરાઈ રહેવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે શહેરના નાક સમાન નહેરુ ગેઇટ ચોક પાસે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણી છલકાતા હોય દરરોજ હજારો લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે આજે ફરી ભૂગર્ભ છલકાતા લોકોને ગંદકીમાંથી પસાર થવા મજબુર થવું પડ્યું છે.

મોરબીના નહેરુ ગેઇટ ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યા કાયમી બની છે ત્યારે નહેરુ ગેઇટનો આજનો રવિવારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, નહેરુ ગેઇટ ચોક પાસે જ રસ્તા પર ગટરનું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. નહેરુ ગેટ ચોક પાસે આવેલી સોની બજાર મુખ્ય બજાર કહેવાય છે. અહીંયાથી દરરોજ હજારો રાહદારીઓ અને વાહનચાલકો અવર-જવર કરતાં હોય છે. ત્યારે આ તમામ નાગરિકોને હાલ આ ગટરના પાણીમાંથી પસાર થઈને જવું પડી રહ્યું છે.

- text

જો કે, મોરબીની વર્ષોજુની સમસ્યા બાબતે હળવદ ફરજ બજાવતા ઇન્ચાર્જ ચીફ ઓફિસર અજાણ હોય તેવી સ્થિતિ છે ત્યારે આ ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર એક વખત રૂબરૂ મુલાકાત લે તે પણ જરૂરી છે. હાલમાં ગટરનું પાણી રોડ પર ભરાઈ રહેતું હોય દુર્ગંધ પણ ખૂબ જ આવતી હોવાથી દુકાનદારોને પોતાના ધંધા-રોજગારમાં પણ મુશ્કેલી પડી રહી છે, લોકો ફરિયાદ કરી રહ્યા છે પણ પાલિકા દ્વારા આ અંગે કોઈ ધ્યાન આપવામાં ન આવતું હોય લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

થોડા દિવસ પહેલા પણ આ પ્રકારનો વીડિયો સામે આવ્યો હતો. તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે લોકોની માંગ છે કે, તાત્કાલિક આ ગટરના પાણીનો નિકાલ કરી મુખ્ય બજારની સાફ-સફાઈ કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

- text