મોરબીના હાઉસિંગ બોર્ડમાં મકાનની છતના પોપડા પડતાં POP ધરાશાઈ

- text


હાઉસિંગ બોર્ડે જર્જરિત મકાનો મામલે હાથ ઉંચા કરી દીધા હોવાનો રહીશોનો આરોપ

મોરબી : મોરબી શહેરમાં શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના એક ફ્લેટમાં આજ રોજ છતના પોપડા પડતાં POP ધરાશાઈ થઈ ગયું હતું. મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એમ-72ના પ્રથમ માળે 392 નંબરનું અજયભાઈ છગાણીનું મકાન આવેલું છે. જેમાં આજે સવારે અચાનક છતમાંથી પોપડા પડતાં POP ધરાશાઈ થઈ ગયું હતું. જેમાં પંખા સહિતની ચીજવસ્તુને મોટું નુકસાન પહોંચ્યું છે. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

આ અંગે સ્થાનિક ઉગાભાઈ આહીરના જણાવ્યા પ્રમાણે હાઉસિંગ બોર્ડમાં અનેક મકાનોની હાલત જર્જરિત છે. સમગ્ર હાઉસિંગ બોર્ડમાં કૂલ 498 મકાન આવેલા છે જેમાં મોટાભાગના મકાનની હાલત જર્જરિત છે. આ મામલે છેલ્લા બે-ત્રણ વર્ષથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ જવાબ આપતું નથી. આ મકાનોનો સર્વે પણ કરી લેવામાં આવ્યો છે પરંતુ હાઉસિંગ બોર્ડ દ્વારા હાથ ઉંચા કરી લેવામાં આવ્યા છે. અને રહીશોની મંજૂરી વિના જ નોટિસો મારી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, જો કોઈ જાનહાનિ થશે તો હાઉસિંગ બોર્ડની કોઈ જવાબદારી રહેશે નહીં.

- text

આમ, મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન મામલે તંત્ર દ્વારા જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતાં રહીશોની હાલત કફોડી બની છે. રહીશો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા છે. આગામી દિવસોમાં વરસાદના કારણે જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો આ અંગેની જવાબદારી કોણ લેશે તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે.

- text