ટેક્સી પાસિંગ સહિતની બાબતોના નિયમ માટે સમય આપો : સ્કૂલ વાહન ચાલકોની માંગ

- text


વાહન ચાલકોએ મોરબી પોલીસ અધિક્ષક સમક્ષ કરી લેખિતમાં રજુઆત

મોરબી : રાજ્ય ભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે. આ સાથે જ તારીખ 13 જૂનથી રાજ્યની તમામ શાળામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અને સ્કૂલવાન ચાલકો નિયમોનું પાલન અને સ્કૂલવાન ચાલક ચેકિંગ હાથ ધરી દંડ ફટકારતા મોરબીમાં સ્કૂલ વાહન ચાલકોએ બે દિવસ હડતાળ પાડી આજે જિલ્લા પોલીસવડાને આવેદન પાઠવી નિયમ પાલન માટે સમય આપવા માંગ કરી હતી.

મોરબી જિલ્લાના તમામ શાળા પરિવહન ડ્રાઇવરો અને ખાનગી શાળા પરિવહન સંચાલકો દ્વારા હાલના શાળા નિયમોને લગતી પાલન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમયમર્યાદા વધારવાની માંગ સાથે મોરબી પોલીસ અધિક્ષકને તાકીદને પત્ર લખી લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, પરિવહન ડ્રાઇવરો દ્વારા વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારી માટે આ નિયમોનું પાલન કરવાના મહત્વ અને જરૂરિયાત ને સ્વીકારીએ છીએ. પરંતુ તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે આપવામાં આવેલ સમયમર્યાદા અપૂરતી સાબિત થાય છે.

દરમ્યાન ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોની કડક અમલવારી થતા હાલમાં સ્કૂલ વાહન ચાલકો મુશ્કેલ સ્થિતિમાં મુકાયા છે. દંડ વસુલવામાં આવે છે તે પણ સામાન્ય કરતા નોંધપાત્ર રીતે વધારે છે જેથી વાહન ચાલકો પર આર્થિક ભારણ પડે છે. વધારેમાં હાલ ફાયર સેફટી સિલિન્ડર વિક્રેતાઓએ પણ તેમનો ભાવ વધારો કરવાનું શરૂ કર્યું છે. જેથી નાણાંકીય બોજ વધ્યો છે. આ સ્થિતિમાં શાળા પરિવહન સેવાઓ પર આધાર રાખતા વાલીઓ માટે નોંધપાત્ર વિક્ષેપ ઉભો થયો છે.અને શાળામાં હાજરી આપવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને પ્રતિકૂળ અસર થઈ હોવાનું રજૂઆતના અંતે જણાવ્યું હતું.

- text

- text