માલિકીની જગ્યામાં જ બાંધકામ કરાયું છે તેમ છતાં પ્રશાસન જે નિર્ણય કરે તે માન્ય : BAPS 

- text


મચ્છુ નદી પાસે માલિકીની જગ્યામાં બગીચો અને નયનરમ્ય ઘાટ બનાવવાનો હેતુ હોવાનું સેવકે જણાવ્યું 

મોરબી : મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સંસ્થા દ્વારા કોઈપણ જાતની બાંધકામ મંજૂરી વગર સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ શરૂ કરવાની સાથે મચ્છુ નદીના કાંઠે વિશાળ ઊંચી દીવાલ ચણી લેતા આ મામલે જાગૃત નાગરિકોની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પાલિકાએ 30 દિવસમાં મંજૂરી વગરનું ગેરકાયદેસર બાંધકામ હટાવવા નોટિસ આપતા આ મૂદે આજે BAPS સંસ્થાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે મચ્છુ નદી પાસે માલિકીની જગ્યા પર જ દીવાલ ચણાઈ રહી હોવાનું અને અહીં આધુનિક બગીચો, ઘાટ બનવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે આ બાંધકામ માટે કોઈ મંજૂરી હજુ ન મળ્યાનું સ્વીકારી હવે તંત્ર જે નિર્ણય કરે તે માન્ય હોવાનું જણાવ્યું હતું

મોરબી શહેરમાં મચ્છુ નદીના કાંઠે રેવન્યુ સર્વે નંબર 17 પૈકી 2, 18 પૈકી 1, 18 પૈકી 2 અને 20 પૈકી 4 પૈકી 2મા ઝૂલતાપુલ પાસે બીએપીએસ સ્વામીનારાય સંસ્થા દ્વારા ધાર્મિક હેતુનું નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર બાંધકામ લાંબા સમયથી ચાલુ કરેલ હોય જે મામલે મોરબી બાર એસોસિએશન પ્રમુખ અને અન્ય જાગૃત નાગરિકો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવતા જિલ્લા કલેકટરે નગરપાલિકાને ધણધણાવતા ગત તા.10ના રોજ મોરબી નગરપાલિકાએ નોટિસ ફટકારી 30 દિવસમાં બાંધકામ દૂર કરવા આદેશ આપ્યો હતો. બીજી તરફ જિલ્લા કલેકટરે પણ સિંચાઈ વિભાગ, પાલિકા અને પ્રાંત અધિકારી સહિતનાઓને દોડતા કરી નદીમાં ચણવામાં આવેલ દીવાલ મામલે તપાસનો આદેશ આપ્યો હતો.

- text

દરમિયાન આ મામલે આજે સ્વામિનારાયણ મંદિર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં હરિભક્ત અને મોરબી બિલ્ડર એસોસિએશનના પૂર્વ પ્રમુખ ભરત બોપલીયાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા તા.15- 04 -2024ના રોજ નગરપાલિકામાં મંજૂરી માટે અરજી કરી છે. જો કે, મંજૂરી ન મળ્યાનો પણ સ્વીકાર કર્યો હતો.

પત્રકાર પરિષદમાં સ્વામિનારાયણ સંસ્થા મોરબીના હિતમાં જ કામ કરતી હોવાનું જણાવી મચ્છુ નદીમાં દીવાલ ચણવામાં આવી છે તે નવી નહિ હોવાનું અને જૂની દીવાલ ઉંચી કરી હોવાનું જણાવી અહીં મોરબીવાસીઓ માટે સુંદર બગીચો, ઘાટ બનાવવામાં આવનાર હોવાનું જણાવી અંતમાં નદી પાસે થયેલ બાંધકામ મામલે પ્રશાસન જે નિર્ણય કરે તે માન્ય હોવાનું જણાવ્યું હતું.

- text