મચ્છુ નદીના કાંઠે મંજૂરી વગર સ્વામિનારાયણ મંદિર દ્વારા કરાયેલ બાંધકામ હટાવવા પાલિકાની નોટિસ

- text


મોરબી બાર એસોસિએશન પ્રમુખ દિલીપ અગેચણિયાની ફરિયાદ બાદ તંત્ર દોડતું : સ્વામિનારાયણ મંદિરના સંચાલકોને 30 દિવસમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તાકીદ

મોરબી જિલ્લા કલેકટરે કહ્યું નદીમાં થયેલું બાંધકામ વહેણમાં અડચણ રૂપ હશે તો તે બાંધકામ અધિકૃત જમીનમાં હશે તો પણ દૂર કરવામાં આવશે

મોરબી : મોરબી મચ્છુ નદીના કાંઠે કોઈપણ જાતની મંજૂરી વગર સ્વામિનારાયણ મંદિરના સંચાલકોએ બાંધકામ કરવાની સાથે નદીના પટ્ટમાં ગેરકાયદેસર વિશાળ દીવાલ ચણી નાખતા મોરબી બાર એસોસિએશન પ્રમુખની ફરિયાદ બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને 30 દિવસમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવા આદેશ કર્યો છે. જ્યારે આ મામલે મોરબી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે મંદિરના બાંધકામ માટે પાલિકા તંત્રની કોઈ મંજૂરી લેવામાં આવી નથી તેથી નોટિસ આપવામાં આવી છે. તેમજ નદીમાં મંદિરના સંચાલકો દ્વારા થયેલું બાંધકામ વહેણમાં અડચણ રૂપ હશે તો તે બાંધકામ અધિકૃત જમીનમાં હશે તો પણ દૂર કરવામાં આવશે

મોરબીમાં લાંબા સમયથી મચ્છુ નદી પાસે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશાળ મંદિર બાંધવામાં આવી રહ્યું છે. મંદિરના સંચાલકો દ્વારા મંદિરની સાથે મચ્છુ નદીના પટ્ટમાં પણ ભરતી ભરીને દીવાલ ચણવામાં આવી છે. જે બાબતે મોરબી બાર એસોસિએશન પ્રમુખ દિલીપ અગેચણિયા દ્વારા જિલ્લા કલકેટરને આ ગેરકાયદે બાંધકામ અને નદીના પટ્ટમાં અવરોધજનક રીતે દીવાલ ચણી લેવા મામલે ફરિયાદ કરતા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. બાદમાં મોરબી પાલિકાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંચાલકોને 30 દિવસમાં આ ગેરકાયદેસર બાંધકામ હટાવવા નોટિસ ફટકારી છે.

વધુમાં પાલિકાએ પાઠવેલી નોટિસમાં જણાવાયું છે કે, નગરપાલિકા હદ વિસ્તારમાં મોરબી ગામના રે.સ.ન.માં 17/પૈકી2, 18/પૈકી1, 18/પૈકી2, 20/પૈકી4/પૈકી2માં ધાર્મિક હેતુનું બાંધકામ મોરબી નગરપાલિકાની મંજૂરી વગર કરવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર બાંધકામ શરૂ કરી ગુજરાત અધિનિયમના નિયમો અને પેટા નિયમોનો ભંગ કર્યો હોય ત્યારે ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એકટની કલમ -36 અન્વયે આ ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામ 30 દિવસમાં સ્વ ખર્ચે અને જોખમે દૂર કરવામાં નહીં આવે તો ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં સમગ્ર મામલે મોરબીના નદીકાંઠે બાંધકામ કરી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી હરિચરણ દાસનો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

- text

જ્યારે આ સમગ્ર મામલે મોરબી જિલ્લા કલેકટર ઝવેરીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મચ્છુ નદીના કાંઠે થયેલા મંદિરના બાંધકામની પલિકમાંથી કોઈ પણ જાતની મંજૂરી નથી લીધી તેથી મંદિરના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. તેમજ કલેકટરે વધુમાં જણાવાયું હતું કે માછુનદીમાં મંદિરના સંચાલકો દ્વારા થયેલું બાંધકામ નદીના પાણીના વહેણમાં અડચણ રૂપ છે કે કેમ તે અંગે રિપોર્ટ આજે આવી જશે. તેમાં જો નદીમાં થયેલું બાંધકામ વહેણમાં અડચણ રૂપ હોવાનું જણાશે તો તે બાંધકામ અધિકૃત જમીનમાં હશે તો પણ જાહેર હિતને ધ્યાને લઈને નદીમાં થયેલું બાંધકામ દૂર કરવામાં આવશે.

- text