બાળમજૂરી બાળકોના માનસિક, શારીરિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક હિતોને અસર કરે છે

- text


આજે વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ : ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકને જોખમકારક કામમાં રોજગાર અર્થે રોકવા ગેરકાયદેસર

મોરબી : વિશ્વ બાળમજૂરી વિરોધ દિન એ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (International Labour Organization) દ્વારા બાળ મજૂરીનાં વિરોધમાં જાગૃતિ લાવવા અર્થે મંજુર કરાવાયેલો દિવસ છે. આનો હેતુ લોકોમાં બાળમજૂરી વિરૂદ્ધ આર્થિક અને લશ્કરી એમ બન્ને ક્ષેત્રોમાં જાગૃતિ કેળવવી અને બાળમજૂરીને રોકવાનો પ્રયત્ન કરવાનો છે. આ દિવસ સને ૨૦૦૨થી દર વર્ષે ૧૨ જૂનના રોજ મનાવવામાં આવે છે.

બાળ-મજુરી એ વર્તમાન સમાજનું કલંક છે. કેટલાય ભણવાની ઉમરના બાળકો ઘરકામ, ચાની કીટલી કે હોટલમાં મજુરી તો અનેક બાળકો જોખમી ઔદ્યોગિક કામોમાં પણ લગાડી દેવાય છે. ખેતીકામ, ગૃહઉદ્યોગ, ઢોર ચરાવવા જેવા કામો પણ અનેક બાળકોએ કુમળી વયમાં કરવા પડે છે. આ તમામથી અતિ ગંભીર એવા ભીખ માગવામાં અને કેટલાક કિસ્સાઓમાં ડ્રગ-ટ્રાફિકિંગ માટે પણ બાળકોનો ઉપયોગ થાય છે અને ક્યારેક વેઠ પણ કરાવાય છે. વળી, બાળકીઓના કિસ્સાઓમાં નાની ઉમરમાં વેશ્યા-વૃત્તિ જેવા અતિ નિમ્ન કક્ષાના કાર્યો બળજબરીથી કરાવાય છે.

બાળ મજૂરીની સમસ્યા ભારતમાં દાયકાઓથી પ્રચલિત છે. ભારત સરકારે બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે પગલાં લીધાં છે. ભારતીય બંધારણમાં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. ભારતની કેન્દ્ર સરકારે 1986માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ મુજબ, બાળ મજૂર તકનીકી સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણ મુજબ જોખમી ઉદ્યોગોમાં બાળકોને રોજગાર આપવા પર પ્રતિબંધ છે. 1987માં રાષ્ટ્રીય બાળ મજૂરી નીતિ ઘડવામાં આવી હતી. બાળ મજૂરી એ માનવ અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તે બાળકોના માનસિક, શારીરિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક હિતોને અસર કરે છે.

- text


ભારતીય બંધારણ મુજબ..

૧. ૧૪ વર્ષથી ઓછી ઉમર ધરાવનાર કોઇપણ બાળકને કોઇપણ કારખાનામાં અથવા ખાણમાં કે અન્ય કોઇપણ જોખમકારક કામમાં રોજગાર અર્થે રોકવા જોઇએ નહિ.

૨. શાસને કામદારો, પુરુષો અને સ્ત્રીઓના આરોગ્ય અને બળને સુરક્ષિત કરવા માટેની તેની નીતિઓ દર્શાવવામાં આવેલ બાળકની ઉંમરનું ઉલંઘન કરે નહિ અને તેઓ આર્થિક જરૂરિયાતના કારણે તેની ઉંમરને અનુરૂપ ના હોય તેવા રોજગારમાં પ્રવેશવા માટે દબાણ ના કરવામાં આવે.

૩. બાળકો તંદુરસ્ત રીતે, આઝાદીથી અને સ્વમાનથી વિકાસ કરી શકે તે માટેની તકો અને સુવિધાઓ પૂરી પાડવી જોઇએ અને બાળપણ અને યૌવનને નૈતિક અને ભૌતિક સ્વચ્છંદતાથી રક્ષણ આપવું જોઇએ.

૪. બંધારણના અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૦ વર્ષ સુધીમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન શાસને કરવા જોઇએ.


- text