હળવદના સાપકડા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી મબલખ ઉત્પાદન મેળવ્યું

- text


ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આશીર્વાદ બની

હળવદ : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની પદ્ધતિ ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. દેશની સાથે સાથે ગુજરાત રાજ્યના અનેક ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા સાથેની ખેત પદ્ધતિને છોડી વર્ષો જૂની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના નંદલાલભાઈ ચાવડા પ્રાકૃતિક કૃષિથી ખેતી કરી વર્ષે 1 લાખ થી પણ વધુનો નફો મેળવી રહ્યા છે.

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના સાપકડા ગામના વતની નંદલાલભાઈ ઇશ્વરભાઈ ચાવડા પ્રાકૃતિક ખેતીથી વિવિધ પાકો લઈ સારી એવી આવક મેળવી રહ્યા છે. આ બાબતે તેઓ જણાવે છે કે, “રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના વધારે પડતા ઉપયોગથી અમારી જમીન એકદમ બિન ઉપજાઉ બની ગઈ હતી, જેના કારણે પાકનું ઉત્પાદન પણ ઘટવા લાગ્યું હતું. હિસાબે સરવાળો કરીએ તો પાછળ કંઈ વધે નહીં જેથી વિચાર આવ્યો કે આવી ખેતી જ શા માટે કરવી જોઈએ કે જેમાં કોઈ આવક જ ન થાય. ખેતી મૂકી અન્ય કોઈ વ્યવસાયમાં તરફ વળવા વિચારી જ રહ્યો હતો ત્યાં પ્રાકૃતિક ખેતી અંગે મને જાણવા મળ્યું અને હું એ માર્ગે વળ્યો”.

તેઓ જણાવે છે કે, “હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા 5 વર્ષથી જોડાયેલો છું. જે અન્વયે જુદી જુદી તાલીમ પણ લીધી છે. વડતાલ ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી પ્રાકૃતિક ખેતીની તાલીમમાં હું ગયો હતો. સાત દિવસની એ તાલીમ પૂર્ણ કરી અમારા ગામમાં આત્માના સ્ટાફ દ્વારા પણ તાલીમનું આયોજન કરેલું તેમાં પણ મેં ભાગ લીધો હતો. ઉપરાંત રાજ્યના રાજ્યપાલ દ્વારા પણ જૂનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેનો સેમીનાર યોજવામાં આવેલો હતો જેમાં પણ મેં ભાગ લીધો અને ત્યારથી નિર્ણય કર્યો કે હવે ખેતી કરવી તો પ્રાકૃતિક ખેત પદ્ધતિથી જ કરવી છે.

શરૂઆતમાં કપાસના પાકથી પ્રાકૃતિક ખેતીની મેં શરૂઆત કરી અને હવે મિશ્ર પાકમાં મકાઈ, મઠ, સૂરજમુખી, ગુવાર, ભીંડો અને કાકડી વગેરે શાકભાજી વગેરેનું વાવેતર કરું છું તેમજ પાળે થોડાક અંશે ફળાઉ ઝાડનું પણ વાવેતર કર્યું છે. આ ઉપરાંત બાજરી, મગફળી જેવા પાકો પણ લઉં છું. મિશ્ર પાક પદ્ધતિમાં મિત્ર કીટકો સારું કામ કરે છે અને પોષણની પણ પૂર્તી થાય છે અને એક પછી એક પાક તૈયાર થતો હોવાથી આવક પણ સતત ચાલુ રહે છે. અમે પાકની વાવણી પહેલા જમીનમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ અને બીજને બીજામૃતનો પટ આપી વાવેતર કરીએ છીએ જેથી ઉગાવો પણ સારો એવો થાય છે. ખાતર તરીકે જીવામૃત વાપરીએ છીએ તો, રોગ જીવાત નિયંત્રણ માટેની નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, ખાટી છાશ, દસપર્ણી અર્ક વગેરેનો ઉપયોગ કરીએ છીએ.

પ્રાકૃતિક કૃષિ કરવાથી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે જેથી જમીનની ભેજ તારણશક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. સરવાળે વીજળી બિલ પણ ઘટ્યું, પાણીની બચત થઈ, જમીનમાં પણ સુધારો થયો અને એકંદરે અમારો ખેતીનો ખર્ચ પણ ઘટ્યો છે. અમે અમારી તમામ જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જ્યારે પરંપરાગત ખેતી કરતા ત્યારે 62 હજારમાં ખર્ચ સામે 1.5 લાખ જેટલી આવક થતી જેથી 85 હજાર જેટલો નફો થતો જે પણ ધીરે ધીરે ઘટવા લાગ્યો હતો. જ્યારે હાલ પ્રાકૃતિક ખેતી કરવાથી અમારો ખર્ચ ઘટીને નહિવત્ ગયો છે, સામે આવક વધી છે અને વીજળી પાણી વગેરે તેમજ અન્ય ખર્ચ બાદ કર્યા પછી પણ 1.8 લાખ જેટલો વર્ષે નફો મળી રહે છે.

- text

પ્રદૂષણ, મિશ્રઋતુ, કમોસમી વરસાદ અથવા તો નહીવત વરસાદ વગેરે પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે. દેશ અને રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી આગળ વધી રહ્યા છે અને સારી એવી ઉપજ પણ મેળવી રહ્યા છે.

- text