ટીએલએમ વર્કશોપમાં ભાગ લેતાં લખધીરગઢ શાળાના શિક્ષિકા

- text


જીવતીબેન પીપલીયાએ શૈક્ષણિક રમકડાનું નિદર્શન રજૂ કર્યું

ટંકારા : ટંકારાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાએ ઈનોવેટિવ સ્કૂલ- રાજકોટ દ્વારા યોજાયેલા ટીએલએમ વર્કશોપમાં ભાગ લઈ વેસ્ટ વસ્તુના ઉપયોગ દ્વારા બેસ્ટ વસ્તુ કેવી રીતે નિર્માણ કરી શકાય તેની સમજ અને નિદર્શન પૂરું પાડ્યું હતું.

જીવતીબેન પીપલીયાએ આ વર્કશોપમાં વિવિધ શૈક્ષણિક રમકડાની સમજ અને નિદર્શન રજૂ કર્યું હતું. જેમાં માચીસના ખાલી બોક્સ દ્વારા આગળ પાછળની સંખ્યા, માચીસની સળી કે સ્ટ્રોની મદદથી સ્થાન કિંમત, એકમ દશક બોર્ડ દ્વારા સ્થાન કિંમત, અંગ્રેજી ભાષા માટે પ્રિપોઝીશન બોર્ડ તેમજ સમ વિષમ સંખ્યા ચાર્ટ, બે ગ્લાસની મદદથી 1 થી 100 સુધીનું સંખ્યા જ્ઞાન, હ્મુમન બોડી, પશુ પક્ષી વર્ગીકરણ માટેનું રમકડું, સંખ્યા પટ્ટીની મદદથી સરવાળા બાદબાકી ઉપરાંત અન્ય શૈક્ષણિક રમકડાં કેવી રીતે નિર્માણ કરી શકાય તેમજ શૈક્ષણિક સાધનની મદદથી શૈક્ષણિક ક્ષમતા કેવી રીતે સિદ્ધ થાય તેની સુંદર અને સરળ ભાષામાં સમજ આપી હતી.

જીવતીબેન પીપલીયાએ કહ્યું હતું કે, 2020 ની નવી શિક્ષણનીતિમાં પ્રવૃત્તિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણની ગુણવત્તા વધારવા શૈક્ષણિક રમકડાંની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જ્ઞાન સાથે ગમ્મતનો હેતુ સો ટકા સિદ્ધ થતા બાળકોની રસ, રૂચિ અને વલણ જળવાઈ રહે છે. શૈક્ષણિક રમકડાંથી પ્રાપ્ત કરેલ જ્ઞાન 70% જેટલું યાદ રહી જાય છે. આજના યુગમાં લખેલા વાંચેલા કે સાંભળેલા જ્ઞાન કરતાં પ્રત્યક્ષ નિદર્શન દ્વારા પ્રાપ્ત જ્ઞાન વધુ યાદ રહી જાય છે, તે કાયમી અને ટકાઉ હોય છે અને તેનાથી ગોખણપટ્ટી થતી નથી. એમાંય બાળકે જાતે તૈયાર કરેલ રમકડાં હોય તો તેની વિશેષ જાળવણી કરે છે તેમજ તેના નિર્માણ વખતે તેની વિવિધ સ્કીલ પણ ડેવલપ થાય છે. જૂથ ભાવના કેળવાય છે. સરકારી શાળાના શિક્ષકો માટે તો ટી. એલ. એમ. નિર્માણ વર્કશોપ પણ યોજાય છે. ઇનોવેટિવ સ્કૂલ રાજકોટના ટ્રસ્ટી નિરેનભાઈ જાની અને ગુજરાતી માધ્યમના સંચાલક દર્શનાબેન દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું તે બદલ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text