મોરબીમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવતા બહેનો સાથે અમાનવીય વ્યવહાર 

- text


 

ઓપરેશન બાદ તબીબી ઓબ્ઝર્વેશનમા રાખવાને બદલે એમ્બ્યુલન્સમાં ઘેટા બકરાની જેમ પુરાતા દર્દીઓ

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે માનવતા નેવે મૂકી હોય તેવી સ્થિતિ સામે આવી છે, ગ્રામ્ય વિસ્તારમાંથી કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવતા બહેનોને ઓપરેશન બાદ કાઢી મૂકી કોઈ સહાય કે સુવિધા આપવાને બદલે એમ્બ્યુલન્સમાં ઘેટા બકરાની જેમ પુરવામાં આવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે અને આ ગંભીર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાએ સવાલો ઉઠાવી જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે.

કુટુંબ નિયોજનની કામગીરી માટે આશાવર્કર બહેનો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી સ્ત્રીઓને નસબંધી ઓપરેશન કરાવવા બોલાવવામાં આવે છે. સરકારની જોગવાઈ મુજબ દર્દીને લાવવા તથા લઈ જવાની વ્યવસ્થા કરાવી અને યોગ્ય ટ્રીટમેન્ટ આપવાની હોઈ છે. અને તેમના એકાઉન્ટમાં પૈસા આપી આર્થિક સહાય આપવામાં આવે છે પરંતુ મોરબીમાં કુટુંબ નિયોજન ઓપરેશન માટે આવતા બહેનોને આવી સુવિધા કે સહાય આપવાને બદલે તંત્ર જુલમ ગુજારી રહ્યુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીમાં ટાર્ગેટ પૂરો કરવાનો હોઈ એ રીતે ઓપરેશન કરવામાં આવે છે. અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરી તેમને અપમાનિત કરવામાં આવે છે. દર્દીને ઓપરેશન થિયેટરની બહાર લાવી ડોકટર દ્વારા ચેકઅપ કે નિરીક્ષણમાં રાખવાના બદલે સીધા જ એમને રજા આપી હાલતાં કરી મૂકવામાં આવે છે.

વધુમાં ઓપરેશન બાદ દર્દી માટે સ્ટ્રેચર કે બેડની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને લાવવા લઈ જવાની વ્યવસ્થા માટે જેમ પેસેન્જર વાહનમાં ખીચો ખીચ બેસાડવામાં આવે એ રીતે એમને એમ્બ્યુલસ અને અન્ય વાહનમાં ભરવામાં આવે છે .

- text

ગત તારીખ 2ના રોજ માળીયા તાલુકાના વર્ષામેડી , ખીરસરા , દહિસરા , વવાણીયા , ન્યુ નવલખીથી બહેનોને આશાવર્કરો દ્વારા એમ્બ્યુલસ અને અન્ય વાહનમાં ખીચો ખીચ બેસાડી લઇ આવવામાં આવી હતી. આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે આશાવર્કરોએ કહ્યું હતું કે, અમને કોઈ જાતનો સહયોગ આપતા નથી અમે બીજું શું કરી શકીએ. આ અંગે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડો. દુધરેજીયાને દર્દીના પરિવારજનોએ ફરિયાદ પણ કરી અને ક્યાં ડોકટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું ? અને એક દિવસમાં કેટલાં ઓપરેશન કર્યા ?તેવા પ્રશ્નો પૂછવામાં આવતા – એમને કોઈ જાણ ન હોવાનો ઉડાવ જવાબ આપી આ કામ જિલ્લા પંચાયતનું છે એમ કહી જવાબદારીમાંથી છટકી ગયા હતા.

 

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી આટલી ઘોર બેદરકારીના કારણે કોઈ દર્દી સાથે અનિચ્છનીય બનાવ બનશે તો એના માટે જવાબદાર કોણ? ભાજપની સરકાર અને ભાજપના નેતાઓ ચૂંટણી સમયે મોટી- મોટી વાતો કરે છે પરંતુ મોરબીની વાસ્તવિક પરિસ્થિતિ કઈક અલગજ છે એના માટે જવાબદાર કોણ? વગેરે પ્રશ્નો ઉઠવા પામ્યા છે. ત્યારે જો આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આવનાર દિવસોમાં લોકોની સુખાકારી માટે મોરબી સિવિલ હોસ્પિટલ સામે જન આંદોલન કરવામા આવશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું.

- text