રાજપર નજીક એરપોર્ટની બાઉન્ડ્રી વોલ થવા આવી !! હવે આગળનું કામ ક્યારે ?

- text


લોકોમાં સવાલ ? મોરબી માટે એરપોર્ટ સપનું જ બની રહેશે !!

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ક્લસ્ટર મોરબીમાં રાજાશાહી સમયની એરસ્ટ્રીપ હોવા છતાં નબળી નેતાગીરીના કારણે મોરબી માટે અત્યંત જરૂરી એવું એરપોર્ટ મળવામાં વિલંબ થઇ રહ્યો છે, ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની મોરબીને એરપોર્ટ આપવામાં નીરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે હવે સૂચિત એરપોર્ટ માટે બાઉન્ડ્રી વોલની કામગીરી પૂર્ણ કરી લેવા છતાં પણ કોઈ હિલચાલ ન હોય મોરબીને એરપોર્ટ મળવાની સરકારની જાહેરાત માત્ર સ્વપ્ન જ બની રહે તેમ હોવાનું જણાઈ રહ્યું છે.

મોરબીમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ક્લસ્ટરને કારણે મોરબીના ઉદ્યોગપતિઓને દેશ વિદેશમાં નિયમિત રીતે આવન-જાવન રહે છે. સાથે જ દેશ વિદેશમાંથી બાયર અને પ્લાન્ટ સપ્લાયર ટેક્નિશ્યનો પણ સતત મોરબીમાં આવતા જતા રહેતા હોવાથી મોરબીથી મુંબઈ સહિતના શહેરો માટે ફ્લાઈટનો ટ્રાફિક પણ મળી રહે તેમ હોય ગુજરાત સરકાર દ્વારા રાજાશાહી સમયની એરસ્ટ્રીપને વિકસાવી મોરબીને એરપોર્ટ આપવા જાહેરાત કરાવમાં આવી હતી અને બાદમાં રાજપર નજીક સૂચિત એરપોર્ટ માટેની જમીનની ફાળવણી થઇ જતા અહીં કમ્પાઉન્ડ વોલની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.

બીજી તરફ મોરબીમાં એરપોર્ટની સુવિધા ન હોવાથી હાલમાં મોરબીના ઉદ્યોગપતિઓ તેમજ બહારથી આવતા બાયર્સને મોરબી આવવા -જવા માટે અમદાવાદ અથવા રાજકોટ એરપોર્ટનો ઉપયોગ કરવો પડતો હોય સમય વેડફાઈ રહ્યો છે. ખાસ કરીને ગુજરાત સરકારે મોરબીમાં એરપોર્ટ નિર્માણ માટે 90 હેકટર જમીનની ફાળવણી કરી દેતા સાડા પાંચ કિલોમીટરની ત્રિજીયામાં પથરાયેલા 90 હેકટર જમીન ઉપર વિકસાવવામાં આવનાર એરપોર્ટ માટેની બાઉન્ડ્રી વોલ બનાવવા 6.24 કરોડનો ખર્ચ કરી અંદાજે 3.5 કિલોમીટર લંબાઈમાં 3.25 કરોડના ખર્ચે બાઉન્ડ્રી વોલનું બાંધકામ પૂર્ણ કર્યું છે. પરંતુ આગળના કામની કોઈ હિલચાલ દેખાતી નથી. ત્યારે શું મોરબીમાં એરપોર્ટ બનાવવાનો સરકારનો દાવો માત્ર દાવો જ રહશે ? શું મોરબી એરપોર્ટનાં કામ આગળ વધારવા માટેની ફાઈલ અભેરાઈએ મુકાઈ ગઈ છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

- text


એરપોર્ટના રન-વે, નકશા સહિતની રિપોર્ટ સરકારમાં 

મોરબીના રાજપર નજીક આકાર પામનાર એરપોર્ટ માટે કરોડોના ખર્ચે બાઉન્ડ્રી વોલનું બાંધકામ પૂર્ણ થયું છે ત્યારે એરપોર્ટની વર્તમાન સ્થિતિ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, રન-વે સહિતની સુવિધા માટેના નકશા અને આનુસંગિક વિગતો સાથેનો રિપોર્ટ ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની સોંપી દેવામાં આવ્યો છે.


- text