ગેમઝોન અગ્નિકાંડ ઇફેક્ટ : મોરબીના બે ગેમઝોન સંચાલક સામે ગુન્હો દાખલ

- text


મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીના સર્કલની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધ્યો

મોરબી : રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ તાત્કાલિક અસરથી મોરબી જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપી જિલ્લાના તમામ ગેમઝોન બંધ કરાવ્યા બાદ હવે મોરબી ગ્રામ્ય મામલતદારના આદેશને પગલે મોરબીના બે ગેમઝોન સંચાલકો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર કૌશિકભાઈ ગણેશભાઈ ગામીએ મોરબી રાજકોટ હાઇવે ઉપર પતરાના શેડ વાળુ ચિલ એન્ડ થ્રિલ ગેમઝોન ચલાવી માણસોની સલામતી જોખમાય તેવું કૃત્ય કરતા ગેમઝોન સંચાલક મિલન વલમજીભાઈ ભાડજા રહે.રામકો બંગલા પાછળ દેવપેલેસ ફ્લેટ, મોરબી વાળા વિરુદ્ધ આઇપીસી કલમ 336 તેમજ જીપી એકટની કલમ 135 મુજબ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.

- text

જ્યારે બીજા કિસ્સામાં ઇન્ચાર્જ સર્કલ ઓફિસર મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરી કૌશિકભાઈ ગામીએ મોરબીના એસપી રોડ ઉપર લેવલ અપ નામનું બે માળનું ગેમઝોન ચલાવી માનવ જિંદગી જોખમમાં મુકનાર આરોપી પ્રિન્સ અમૃતલાલ બાવરવા રહે.રવાપર રોડ, શ્રવણસેતુ એપાર્ટમેન્ટ મોરબી વાળા વિરુદ્ધ આઇપીસી કલમ 336 તેમજ જીપી એકટ 135 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને ગેમઝોન સંચાલક વિરુદ્ધ અલગ – અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text