કઇ રીતે થાય છે મતગણતરી? સમજો મતગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા..

- text


આખી ચૂંટણી પ્રક્રિયા ખોટી, અનિયમિત અથવા બેદરકારીભરી ગણતરીના કારણે રદ કરવામાં આવી શકે છે: મતગણતરીએ ચૂંટણી પ્રક્રિયાના અત્યંત મહત્વપૂર્ણ તબક્કો ગણાય છે

(સંકલન : માહિતી બ્યુરો,મોરબી)
મોરબી : આખી ચૂંટણી પ્રક્રિયા ખોટી, અનિયમિત અથવા બેદરકારીભરી ગણતરીના કારણે રદ થઇ શકે છે. તેથી મતગણતરી, એ ચૂંટણી પ્રક્રિયાના સૌથી મહત્વપૂર્ણ તબક્કાઓમાંનો એક તબક્કો છે. ચૂંટણી આચાર સંહિતાના નિયમો મુજબ મતગણતરી, કોઇ પણ અંતરાલ વિના સતત ચાલુ રાખવામાં આવે છે. મતગણતરીના દિન પહેલા, અને મતગણતરીના દિને, અમુક ચોક્કસ પ્રકારની સિસ્ટમ મુજબ કામગીરી કરવામાં આવે છે.

મતગણતરીના એક અઠવાડીયા પહેલાની તૈયારી

મતગણતરીના ઓછામાં ઓછા ૧ અઠવાડીયા પહેલા મતગણતરીના દિનની આનુસાંગિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. જેમાં મતગણતરી કરનાર સ્ટાફની તાલીમ, કાઉન્ટીંગ હોલની તૈયારીઓ, તથા ઉમેદવારોને કાઉન્ટીંગ હોલમાં કાઉન્ટીંગ ટેબલની ગોઠવણ અંગે લેખીતમાં જાણકારી આપવા સહિત, મતગણતરી માટે જરૂરી સાધન સામગ્રી, અને પુરતી વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.

કાઉન્ટીંગ હોલમાં ચૂંટણીના સ્ટાફ સિવાય કોઇને પ્રવેશ આપવામાં નથી આપતો. કાઉન્ટીંગ સ્થળ ઉપર પણ અમુક ખાસ કર્મચારીઓ/અધિકારીઓ, અને આવશ્યક સેવાઓના કાર્ડ ધરાવતા નાગરિકો તથા ચૂંટણી પંચના ગાઇડ લાઈન મુજબના પત્રકાર મિત્રો તથા દૂરદર્શન અને માહિતી ખાતાના કર્મચારીઓ જ ઉપસ્થિત રહી શકે છે.

જે રીતે મતદાનના દિવસ માટે પ્રિસાઇડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂંક કરવામાં આવે છે, તે પ્રમાણ્રે મતગણતરીના દિવસ માટે કાઉન્ટીંગ ઓફિસર, આસિસ્ટન્ટ કાઉન્ટીંગ ઓફિસર અને સીયુ અને વીવીપેટને સ્ટ્રોંગ રૂમમાંથી લાવવા લઇ જવા માટે પણ ચોક્કસ કર્મચારીઓની નિમણૂંક કરી, તેઓને યોગ્ય તાલીમ આપવામાં આવે છે. એક માઇક્રો ઓબ્ઝર્વર ગણતરી જોવા માટે અને એક ડેટા એન્ટ્રીની ચકાસણી માટે નિમવામાં આવે છે. યોગ્ય તાલીમના કારણે સૌ કોઇ પોતાને સોંપવામાં આવેલ કામગીરીં અંગે પહેલાથી જ માહિતગાર હોય, અને સરળતાથી પોતાનું કામ પુરુ કરી શકે છે. તાલીમ દરમિયાન કાઉન્ટીંગ હોલના લેઆઉટ અને મતોની ગણતરી માટેના ટેબલની સ્પષ્ટ સમજ દરેકને આપવામાં આવે છે. મતગણતરીની પ્રક્રિયામાં સામાન્ય રીતે ૭ થી ૮ કલાક લાગતા હોય છે. જેથી મતદાનની પ્રક્રિયાની જેમ અહિં પણ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે. મતગણતરીના સ્ટાફનું ત્રણ વખત રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે.

મતગણતરી સ્ટાફનું પહેલું રેન્ડમાઈઝેશન એક અઠવાડિયા પહેલા, બીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના ૨૪ કલાક પહેલા, અને ત્રીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે ઑબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવે છે.


મતગણતરીના અગાઉના દિનની પ્રક્રિયા

રાઉન્ડ સેટ અપ-અકાઉન્ટ સેટ અપ-ટેબલ અસાઇન્મેન્ટ
મતગણતરી માટે રાઉન્ડ નક્કિ કરવા માટે જરૂરી સુરક્ષાને ધ્યાને લઇ મશીનોની સંખ્યા, રૂમનું કદ, સ્પર્ધક ઉમેદવારની સંખ્યા, કાઉન્ટીંગ એજન્ટસ, અને કાઉન્ટીંગ કર્મચારીઓની સંખ્યાના આધારે રાઉન્ડ નક્કિ કરવામાં આવે છે. દરેક કાઉન્ટીંગ હોલ માટે સીયુમાં મતોની ગણતરી માટે ઓછામાં ઓછા ૭, અને વધુમાં વધુ ૧૪ કાઉન્ટીંગ ટેબલ રાખવામાં આવે છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવે છે.

મતગણતરીના ઓછામાં ઓછા ૩ દિવસ પહેલા કાઉન્ટીંગ હોલ જરૂરી આનુશાંગિક વ્યવસ્થા જેવી કે, પર્યાપ્ત પાર્કીંગ, ખુલ્લી જગ્યા, અગ્નિશામક, ઇન્ટરનેટ કનેક્ટીવીટી, પીવાનું પાણી, ભોજન, તાજગી, શૌચાલય, પાવર બેકઅપ, અવિરત વીજ પુરવઠો અને અન્ય માળખાકિય સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવે છે.

ઓબઝર્વર અને આરઓ, એઆરઓના ટેબલોની સાથે એક મુખ્ય ટેબલ, બધાથી અલગ સિમાંકન સાથે તૈયાર કરવામાં આવે છે. જ્યાં દરેક ટેબલમાંથી ડેટાની ગણતરી અને સંકલન દરેક રાઉન્ડના અંતે પરિણામનું સંકલન કરવામાં આવે છે.


મતગણતરીના દિનની પ્રક્રિયા

મતગણતરીના દિને સવારે ૮ વાગ્યાથી ગણતરી શરૂ કરી દેવામાં આવે છે. જેના માટે વહેલી સવારથી જ ચૂંટણી સ્ટાફ કેમ્પસમા પ્રવેશ મેળવવાનું શરૂ કરી દે છે. જેના માટે સૌ પ્રથમ ત્રી સ્તરીય ચકાસણીમાથી સૌએ પસાર થવાંનું હોય છે.


ત્રી સ્તરીય ચકાસણી:

પહેલા સ્તરમાં મતગણતરી પરિસરની ૧૦૦ મીટરની અંદર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય છે. કેમ્પસમાં ગેટ બનાવવામાં આવે છે. એન્ટ્રી ગેટ ઉપર સ્થાનિક પોલીસ દ્વારા ઉમેદવાર, ગણતરી એજન્ટો, સ્ટાફ, મીડિયાકર્મીઓને પ્રવેશ પહેલા જરૂરી સંપુર્ણ ચકાસણી કરવામાં આવે છે. બીજા સ્તર રાજ્યના પોલીસ કર્મચારીઓનું હોય છે. જેઓ દ્વારા પ્રવેશ મેળવતા સ્ટાફના આઇ કાર્ડ સહિત પ્રતિબંધિત વસ્તુઓની પણ ખાસ ચકાસણી કરવામાં આવે છે. ત્રીજા સ્તરમાં આર્મ્ડ પોલીસ કાઉન્ટીંગ હોલના દરવાજા પાસે હોય છે. જે આવશ્યક્ સેવાકર્મીઓ સિવાય કોઇને કાઉન્ટીંગ ટેબલ પાસે પ્રવેશ મેળવવા દેતા નથી.


મતગણતરી શરૂ કેવી રીતે થાય?

મતગણરી પરિસરમાં પ્રવેશ બાદ કાઉન્ટીંગ હોલમાં ચૂંટણી સ્ટાફ પોતાને આપેલ ટેબલ ખાતે પહોચી જાય છે. ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવે છે. ત્યાર બાદ EVM રાઉન્ડવાઈઝ બહાર કાઢી, કાઉન્ટીંગ હૉલમાં લાવવામાં આવે છે, અને સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ તથા EVM ના મતોની ગણતરીનો પ્રારંભ કરવામાં આવે છે.

પોસ્ટલ બેલેટ અને ઇટીપીબી (ઇકેટ્રોનિકલી ટ્રાન્સમીટેડ પોસ્ટલ બેલેટ પેપર્સ) ની ગણતરીથી મતગણતરી શરૂ કરવામાં આવે છે. તેના માટે આર.ઓ.ના ટેબલ ઉપર ગણતરી કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પોસ્ટલ બેલેટ બાદ ૩૦ મીનીટ પછી રાઉન્ડ પ્રમાણે મશીનોના મતની ગણતરીનો પ્રારંભ કરવામાં આવે છે.

રાઉન્ડ પ્રમાણે ઇવીએમ મશીનોને કાઉન્ટીંગ ટેબલ ઉપર લાવ્યા બાદ, ઇવીએમના કંટ્રોલ યુનિટનું વિતરણ મતદાન મથકોના સીરીયલ ક્રમ અનુસાર જ કરવામાં આવે છે. ધારો કે પ્રથમ રાઉન્ડની શરૂઆત થઇ છે તો, નિરીક્ષક દ્વારા પ્રથમ રાઉન્ડના પરિણામને પ્રમાણિત કર્યા પછી, અને રિટર્નિંગ ઓફિસર દ્વારા તે ચોક્કસ રાઉન્ડના પરિણામની ઘોષણા કર્યા પછી રાઉન્ડ મુજબના પરિણામો બોર્ડ/ટીવી પર લખવા/પ્રદર્શિત કરવામાં આવે છે. આ કવાયત પૂર્ણ થયા પછી જ બીજા રાઉન્ડ માટેના નિયંત્રણ એકમોને સ્ટ્રોંગ રૂમમાંથી કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવે છે.

કંટ્રોલ યુનિટમાં જરૂરી સીલને દુર કરી પરિણામ વિભાગના એડ્રેસ ટેગને દુર કરવામાં આવે છે, અને “પરિણામ” બટન દબાવતા જ નોટા સહિત દરેક ઉમેદવાર માટે નોંધાયેલા મતોની કુલ સંખ્યા મતદાન મથક સીયુની ડિસ્પ્લે પેનલમાં આપમેળે પ્રદર્શિત થાય છે. જેની કાઉન્ટીંગ સ્ટાફ દ્વારા ખુબ જ ચીવટ પુર્વક નોંધણી કરવામાં આવે છે.

- text

મતગણરી દરમિયાન ઓબઝર્વર/નિરીક્ષકો અને માઇક્રો ઓબઝર્વર/સૂક્ષ્મ નિરીક્ષકો માટે પણ વિશેષ કામગીરી સોંપવામાં આવી હોય છે. મતગણરી દરમિયાન સૂક્ષ્મ નિરીક્ષકો તેમને સોંપવામાં આવેલા ટેબલ પર દરેક રાઉન્ડમાં ગણતરી કરવામાં આવતા CU દ્વારા દર્શાવવામાં આવેલા મતોની વિગતો નોંધે છે. સૂક્ષ્મ નિરીક્ષકોને પ્રી-પ્રિન્ટેડ સ્ટેટમેન્ટ ઉપર CU નંબર, રાઉન્ડ નંબર, ટેબલ નંબર, પોલિંગ સ્ટેશન નંબર, અને ત્યારબાદ NOTA સહિત તમામ સ્પર્ધક ઉમેદવારોના નામો, બેલેટ પેપર વગેરેની માહિતી નોંધે છે. કોમ્પ્યુટરમા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીના ડેટા કલેક્ટ કરવા માટે વિકસાવવામાં આવેલ ENCORE પ્રોગ્રામમાં કાઉન્ટીંગ ડેટા ટ્રાન્સમીટ એન્ટ્રી થયા બાદ પ્રિન્ટ આઉટ લઇ સૂક્ષ્મ નિરીક્ષકોના નિવેદનના અંતે તેમની સહીઓ માટે મૂકશે, અને દરેક રાઉન્ડ પૂર્ણ થયા પછી નિરીક્ષકને નિવેદન સોંપશે. મતગણતરીની ચોક્કસતાના માપદંડ તરીકે ઓબઝર્વર વધારાના મતગણતરી સ્ટાફની મદદથી દરેક રાઉન્ડમાં ગણતરી કરેલ બે સીયુને રેન્ડમલી પસંદ કરી ક્રોસ ચેકીંગ કરે છે.

તમામ સીયુના મતોની ગણતરી પૂર્ણ થયા બાદ જ VVPATની સ્લીપસની ગણતરી શરૂ કરવામાં આવે છે. મતગણતરી પૂર્ણ થયા બાદ અંતિમ પત્રક તૈયાર કરવામાં આવે છે. જેમાં દરેક ઉમેદવાર દ્વારા મળેલા કુલ મતોની ઘોષણા કરવામાં આવે છે. આ થઇ મતગણતરીની પ્રક્રિયાની કવાયત.

બીજી તરફ મીડિયા સેન્ટરના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવેલ અધિકારી, એક એક રાઉન્ડના કાન્ટીંગની વિગતો લાવી માહિતી ખાતાને સોંપે છે. માહિતી ખાતા દ્વારા પ્રેસનોટના સ્વરૂપમાં રાઉન્ડના કાઉન્ટીંગની સંપૂર્ણ વિગત મીડિયાને આપે છે. જે તે એજન્સી સાથે જોડાયેલા મિડીયાકર્મીઓ પોતાના મીડિયા હાઉસને આ વિગતો આપે છે, અને જે તે મીડિયા હાઉસ દ્વારા ટીવી, ન્યુઝ ચેનલ, વેબ સાઇટ, સોશિયલ મીડિયાના માધ્યમ થકી, ગણતરીની મીનીટમાં જ રાઉન્ડ પ્રમાણેના ડેટા દેશ અને દુનિયામાં પ્રદર્શિત કરી દેવામાં આવે છે. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ પર ચૂંટણીના પરિણામો જાણી શકાય છે.

વહિવટી પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરમાં ENCORE દ્વારા કાઉન્ટીંગ ડેટા ટ્રાન્સમીટ કરવાની સાથે, ચૂંટણી પંચને જરૂરી દસ્તાવેજો ઓનલાઇન મોકલી આપવામાં આવે છે, અને ચૂંટણી પંચ દ્વારા દસ્તાવેજોની ચકાસણી બાદ ઉમેદવાર જાહેર કરવાની પરવાનગી આપે છે.


પરિણામ જાહેર થયા પછીની પ્રક્રિયા

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પરિણામની ઘોષણા પછી, તમામ નિયંત્રણ એકમો, પાવર-પેકને દૂર કર્યા પછી તેમના સંબંધિત વહન કેસોમાં રાખવામાં આવે છે, અને સરનામાં ટેગ સાથે સીલ કરવામાં આવે છે. VVPAT સ્લીપને જાડા કાળા પરબીડીયાઓમાં સ્થાનાંતરિત કરી, CU/VVPAT ની સીલીંગ, ચૂંટણીના કાગળો, સીસીટીવી ફુટેજ વગેરે જરૂરી તમામ દસ્તાવેજો સહી સલામત સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પરિણામનું સંકલન કરવા વિવિધ ફોર્મસને ભરવામાં આવે છે. પછી જ મતગણતરી કર્મચારીઓને આર.ઓ.ની પરવાનગી સાથે મતગણતરી હોલ છોડવા દેવામાં આવે છે.

આ તમામ પ્રક્રિયામાં પણ ઉમેદવાર અથવા તેમના એજન્ટો સિલિંગ પ્રક્રિયામાં હાજર રહેશે. તમામ પ્રક્રિયાની વિડિયોગ્રાફિ કરી, જિલ્લા ચૂંટણી અધિકારીના કબજામાં તમામ સામગ્રી સીલ બંધ કરી, સ્ટ્રોંગ રૂમમા મુકવામાં આવશે. પરિણામ જાહેર થતા ઉમેદવારને ચૂંટણીના વળતરનું પ્રમાણપત્ર સોંપી હારેલા ઉમેદવારોની ડિપોઝીટ નિયમોનુસાર જપ્ત કરવામાં આવે છે.

આમ, દરેક જિલ્લા ચૂંટણી તંત્રના ડેટા રાજ્ય ચૂંટણી તંત્ર એકત્રીત કરે છે, અને તમામ રાજ્યના ડેટા ભારત ચૂંટણી તંત્ર દ્વારા એકઠ્ઠા કરી અંતે પરિણામની જાહેરાત કરતા આચાર સંહિતા પૂર્ણ થાય છે. આટલી પ્રક્રિયા અનુસરતા ચૂંટણી પૂર્ણ થઇ કહેવાય.

મીડિયા સેન્ટર
મતગણતરીના રાઉન્ડ પ્રમાણેના પરિણામ જાહેર જનતા સુધી સરળતા પૂર્વક પહોચાડવા માટે કાઉન્ટીંગ હોલના કેમ્પસમાં જ મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવે છે. જ્યા ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત આઇકાર્ડ ધારક પત્રકારો અને માહિતી ખાતાના અધિકારી/કર્મચારીઓ માટે ટેબલ/ખુરશીઓ, એસટીડી સાથેનો ટેલિફોન, ફેક્સ, પ્રિન્ટર સાથે કોમ્પ્યુટર અને તેની સાથે ઈન્ટરનેટની સુવિધા સાથે સંચાર ખંડ ઉભો કરવામાં આવે છે. આવા કોમ્યુનિકેશન રૂમમાં વરિષ્ઠ અધિકારી અધિકૃત મીડિયા કર્મચારીઓ, અને માહિતી ખાતાના અધિકારી, કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવે છે. અહિ નોંધનિય એ છે કે, મીડિયા પાસ કાઉન્ટિંગ સેન્ટર માટે આપવામાં આવે છે.

મીડિયા સેન્ટરના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવેલ અધિકારી એક એક રાઉન્ડના કાન્ટીંગની વિગતો લાવી, માહિતી ખાતાને સોંપે છે, અને મીડિયા હાઉસ દ્વારા ટીવી, ન્યુઝ ચેનલ, વેબ સાઇટ, સોશિયલ મીડિયાના માધ્યમ થકી ગણતરીની મીનીટમાં જ રાઉન્ડ પ્રમાણેના ડેટા દેશ અને દુનિયામાં પ્રદર્શિત કરી દેવામાં આવે છે.


સારાંશ
નાગરિકો માટે કદાચ ચૂંટણીમાં મતદાન અને પરિણામ બે જ બાબતો મહત્વની હશે. પરંતુ ચૂંટણી સાથે સંકળાયેલા તમામ અધિકારી-કર્મચારીઓ માટે ચૂંટણીના એક એક તબકકા સાથે બીજી અનેક બાબતો સંલગ્ન હોય છે. જેમા કોઇ એકને પણ ઓછુ મહત્વ નથી આપવામાં આવતું. નાનામા નાની બાબત હોય કે મોટામાં મોટી ચૂંટણી સાથે સંલગ્ન બાબત. તમામ સ્ટાફ પુરી નિષ્ઠાથી પોતાની જબાબદારી દરેક ચૂંટણીમાં સફળતાપુર્વક પુરી કરે છે, અને જેમ ઘરમા લગ્ન હોય ત્યારે કેવો ખુશનુમા માહોલ હોય તેવો જ માહોલ દેશમાં ચૂંટણી સમયે અનુભવવા મળે છે. જેના કારણે જ ચૂંટણીને “દેશના પર્વ”નું બીરૂદ મળ્યું છે. આટલી જટીલ પ્રક્રિયાને સફળતા પુર્વક પાર પાડનાર અને તેની એક એક કળી સાથે જોડાયેલા તમામ અધિકારી/કર્મચારીઓ ખરેખર અભિનંદનને પાત્ર હોય છે.

‘ચૂંટણી સંબંધિત શબ્દાવલી’ શ્રેણીના અંતિમ ભાગમાં ‘મતગણતરી’ જેવી જટીલ પ્રક્રિયાને આપણે સમજ્યા. આ અંતિમ અંક બાદ એવી ધારણા કરી શકાય કે તમામ નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં પડદા પાછળ કરવામાં આવતી કામગીરીના મહત્વ અંગે સારી રીતે અવગત થયા હશો. તેથી જ્યારે પણ કોઇ કર્મચારી ચૂંટણી પ્રક્રિયામાં જોડાયો હોય તો તેવા કર્મચારીને તેની સેવા માટે અભિનંદન જરૂર પાઠવશો.


- text