ઘુંટુ ગામનો મોરબી મહાનગર પાલિકામાં ભળવા નનૈયો

- text


ગ્રામજનોએ મહાનગર પાલિકાની હદમાં ભળવા મામલે વિરોધ કર્યો

મોરબી : મોરબી નગર પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને ઘૂંટુ સહિતના 14 ગામોનો મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ કરવા નિર્ણય કરાયો છે ત્યારે ઘુંટુ ગામના લોકોએ ગઈકાલે ગ્રામસભા યોજી મહાનગરપાલિકામાં ભળવાનો નનૈયો ભણી દેતા વિવાદના એંધાણ સર્જાયા છે.

મોરબી નગરપાલિકાને ઘણા વર્ષોથી મહાપાલિકા આપવાની માંગ ઉઠતા ગુજરાત સરકારે બજેટ સત્રમાં મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાનું જાહેર કરી મોરબી આજુબાજુના 14 ગામોને મહાનગરમાં ભેળવવા કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ લોકસભા ચૂંટણી આવતા સીમાંકન સહિતની કાર્યવાહી અટકી પડી હતી અને ચૂંટણી પુરી થતા જ વસ્તી રેવન્યુ સહિતના આંકડા મેળવવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

વધુમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસરે તાલુકા વિકાસ અધિકારી નગર પાલિકાની આજુબાજુમાં આવતા રવાપર, શકત શનાળા, લીલાપર, ભડીયાદ, નાની વાવડી, મહેન્દ્રનગર, ત્રાજપર,અમરેલી, પીપળી, લાલપર, જોધપર, વજેપર, માધાપર,ઘુંટુ સહિતના 14 જેટલા ગામોની હદ અને ક્ષેત્રફળ સહિતની વિગતો મેળવી મહાનગરની કાર્યવાહી શરૂ કરવામાં આવતા જ ઘુંટુ ગામના ગ્રામજનોએ વિરોધ કરવાનું શરૂ કર્યું છે.

ગઈકાલ રાત્રે ઘુંટુ ગામે સરપંચની આગેવાનીમાં ગ્રામસભા યોજાઈ હતી અને આ ગ્રામસભામાં સર્વે ગ્રામજનોએ મહાનગરપાલિકામાં ન ભળવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે ગામના અગ્રણી દેવજીભાઈ પરેચાએ જણાવ્યું હતું કે અમે અગાઉ પણ મહાનગરપાલિકામાં ન ભળવા અંગે અમારો અભિપ્રાય અપાયો હતો એમાં છતાં અમોને ભેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને પાલિકા જે સુવિધા નથી આપતી એના કરતા સારી સુવિધા ગ્રામ પંચાયત આપે છે. જેથી અમોએ સામુહિક રીતે મહાનગર પાલિકામાં ન ભળવાનો નિર્ણય લીધો છે. અને આ અંગે આગામી સમયમાં કલેકટર સહિતના તંત્રને રજૂઆત પણ કરવામાં આવનાર હોવાની તેમને જણાવ્યું હતું.

- text

- text