જાણવાની સાથે હવે અનુસરો પણ.. “તમાકુનું સેવન નહીં, મતલબ નહીં જ”નો દ્રઢ નિર્ધાર અત્યંત જરૂરી..

- text


આજે વર્લ્ડ નો ટોબેકો ડે : 2024ની થીમ છે તમાકુ ઉદ્યોગમાં બાળકોની દખલગીરી દૂર કરીએ અને બાળકોનું રક્ષણ કરીએ

મોરબી : જેમના ઘર-પરિવારમાં નાના બાળકો હોય તેઓ સારી રીતે જાણતા હોય છે કે, નાના બાળકો પરિવારના વડીલ સભ્યોનું અનુકરણ કરે છે. જેવું ઘરમાં શીખવા-સમજવા મળે તેવી પ્રવૃત્તિઓ બાળકો મોટા થઈને કરતા હોય છે. પરિવારના સભ્યોનું વર્તન અને તેમની આદતો બાળકોના માનસના ઘડતરમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તમારા બાળકો જ્યારે તમને તમાકુ ખાતા કે અન્ય હાનિકારક દ્રવ્યોનું સેવન કરતા જુએ છે, ત્યારે તેમના મન પર શી અસર થતી હશે? તમે વિચાર્યુ છે?

નથી વિચાર્યુ તો હવે વિચારો.. આપણને સૌને ખબર છે કે તમાકુ કે પાન-મસાલાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આપણે જાણીએ છે કે આ પદાર્થોનું સેવન કરવાથી આપણાં આરોગ્ય પર વિપરીત અસર પડી શકે છે, પરંતુ હવે સમય છે જાણવાની સાથે આ પદાર્થોની આદત છોડવાનો..

“વર્લ્ડ નો ટોબેકો ડે” વિશ્વભરમાં દર વર્ષે 31 મેના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ નો ટોબેકો ડેની ઉજવણીની શરૂઆત 1987થી થઈ છે. જેનો ઉદ્દેશ્ય તમાકુથી થતા રોગચાળા અને જીવલેણ ગંભીર બિમારીને અટકાવી શકાય તે માટેનો છે. તેમજ તમાકુના વ્યાપ અને નકારાત્મક સ્વાસ્થ્ય અસરો તરફ ધ્યાન દોરવાનો છે. પ્રવર્તમાન સમયમાં વિશ્વભરમાં દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તમાકુના સેવનનથી મૃત્યુ પામે છે. જેમાં અનેક લોકો તો માત્ર અન્ય લોકોના સંપર્કમાં આવીને આ વ્યસનનો ભોગ બને છે. અને જાતે કરીને પોતાના સ્વાસ્થ્ય પર અને પરિવાર પર આફત નોતરે છે.

- text

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી માટે દર વર્ષે એક ખાસ થીમ રાખવામાં આવે છે. તમાકુનું સેવન કરતા લોકોને સંકલ્પ લેવડાવી આ ખરાબ ટેવથી છોડાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, અલગ અલગ થીમ સાથે તેમજ તમાકુ નિષેધને લગતા વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ દ્વારા સભાઓ તેમજ રેલીઓ થકી વર્લ્ડ નો ટોબોકો ડેની ઉજવણી કરવામાં આવે છે.

જેમાં 2024ની થીમ છે Protecting Children from Tobacco Industry Interference અર્થાત તમાકુ ઉદ્યોગમાં બાળકોની દખલગીરી દૂર કરીએ અને બાળકોનું રક્ષણ કરીએ. તો આપણે પણ તમાકુ નિષેધ દિવસ દિનની ઉજવણીમાં સહભાગી થઈએ અને સંકલ્પ લઈએ કે તમાકુનુ સેવન ક્યારેય નહિ કરીએ, તેમજ તમાકુનુ સેવન કરતા લોકોને પણ તેની ગંભીરતા વિશે સાવચેત કરીએ. સાથેસાથે આપણાં પરિવારના અને આસપાસના બાળકોને પણ વ્યસનથી દૂર રાખીએ. તો હવે આ વિગતો જાણ્યા બાદ તેનું અનુસરણ પણ ચોક્કસથી કરશો જ… બરાબરને ?

- text