મોરબીની એલઈ કોલેજમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પ યોજાયો

- text


27 થી 31 મે સુધી વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતોની સમજ અપાઈ

મોરબી : મોરબીની જાણીતી એલઈ એન્જિનિયરિંગ કોલેજ ખાતે તારીખ 27 મે થી 31 મે સુધી પાંચ દિવસીય સાયન્સ એન્ડ ટેલેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. આ સમર કેમ્પમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયના સિદ્ધાંતોની સમજ આપવામાં આવી હતી.

ધોરણ 8ના વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે અભિરુચિ કેળવાય, વિદ્યાર્થીઓ તાર્કિક રીતે વિચારતા થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીના દેખરેખ હેઠળ એલઈ કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરોની મદદથી સમર કેમ્પનું આયોજન કરાયું હતું. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને એલઈ કોલેજની લેબોરેટરીના વિવિધ સાધનો અને રોબોટ્સ કેવી રીતે કામ કરે છે ? તેની પાછળ વિજ્ઞાનના ક્યાં સિદ્ધાંતો કામ કરે છે તે સમજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગણિત અને વિજ્ઞાનની સાહજિક પદ્ધતિઓ અને સામાન્ય સિદ્ધાંતો પણ સમજાવાયા છે. વ્યક્તિત્વ વિકાસ અંગેની સમજ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત આઈઆઈટી જેવી ઉચ્ચ સંસ્થાઓ શું છે અને તેમા પ્રવેશ કેમ મેળવી શકાય તે અંગેની પણ માહિતી આપવામાં આવી હતી.

સમર કેમ્પના પ્રથમ દિવસે પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોમ્પ્યુનિકેશનની તાલીમ આપવામાં આવી હતી. બીજા દિવસે ગણિત અને વિજ્ઞાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્રીજા દિવસે કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચોથા દિવસે વિદ્યાર્થીઓના મગજનો વિકાસ થાય, આંતરિક શક્તિ બહાર આવે તે માટેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. સાથે જ ફિઝિક્સ લેબમાં પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યું હતું. અંતિમ અને પાંચમાં દિવસે એલઈ કોલેજના પ્રિન્સિપાલ બી.એન. સુથાર અને ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમર કેમ્પમાં ભાગ લેનાર જેતપર તાલુકા કન્યા શાળાની વિદ્યાર્થિની નેન્સીએ જણાવ્યું હતું કે, તેઓ 27 મેથી સમર કેમ્પ માટે આવ્યા છે. અમને અહીંયા શિક્ષકો દ્વારા ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો શીખવા મળે છે. જે એન્જિનિયરિંગમાં શીખવા મળે તે અમને 8માં ધોરણથી શીખવા મળી રહ્યું છે. આ સમગ્ર આયોજન કોલેજના આચાર્ય અને ડીડીઓ સાહેબને આભારી છે.

- text

- text