માળીયા મિયાણાના મોટી બરાર ગામે તળાવમાં અસંખ્ય માછલાઓના મોત 

- text


 

ગામના સરપંચે સરકારી તંત્રને જાણ કરતા જવાબદારીની ફેંકાફેકી

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ તળાવમાં આજે સવારે મોટી સંખ્યામાં માછલાઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ગંભીર ઘટના મામલે ગામના સરપંચે પશુપાલન અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે. પરંતુ બંને વિભાગ એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનું સરપંચે જણાવ્યું હતું. જયારે આ અંગે મોરબી અપડેટે મત્સ્ય ઉદ્યોગના અધિકારી સાથે વાત કરતાંતેમને જણાવ્યું હતું કે અમોને હજુ કોઈ જાણ નથી પરંતુ ક્યાં કારણોસર મોત થયા છે તે તપાસ કરવામાં આવશે

માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ તળાવમાં ગત રાતથી આજ સવાર સુધીમાં અસંખ્ય માછલાઓના મોત થયા હોવાથી ગ્રામજનો ચિંતિત બન્યા છે. ગામના સરપંચ સુરેશભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આજ સવારે મને જાણ થતા હું ઘટના સ્થળે પહોંચતા ત્યાં ઝીંગાથી માંડીને 10 કિલો સુધીની અસંખ્ય માછલીઓના મોત થઇ ગયા છે. આ અંગે અમે પશુપાલન અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી પરંતુ બંને એ એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.

- text

બીજી તરફ મત્સ્યોદ્યોગના અધિકારી કે.વી. રામાણીએ જણાવ્યું હતું કે આ અંગે હજુ અમોને કોઈ માહિતી મળી નથી પણ તમારા દ્વારા માહિતી મળતા સરપંચ સાથે વાત કરી તપાસ કરીશું. વધુમાં જણાવ્યું હતું કે ગરમીના કારણે ઓક્સિજન ઘટવાના કારણે અથવા પાણી ખરાબ થવાના કારણે અથવા તો પોલ્યુસનના કારણે ઉપરાંત મોટી સંખ્યામાં માછીમારી કરવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હોય તો જ આટલી સંખ્યામાં માછલીઓના મોત થાય. મોટી બરાર ગામે ક્યાં કારણોસર માછલીઓના મોત થયા છે તે તાપસ બાદ જ ખબર પડશે. હાલમાં પાણીની અછત હોવાથી ગામ લોકો વાપરવાં માટે આ તળાવના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે તેવા સમયે જ આ ઘટના બનતા ગ્રામજનો ચિંતિત બન્યા છે.

- text