મોરબીના વીસીપરા વિસ્તારની મહિલાઓનો પાણી પ્રશ્ને પાલિકામાં હલ્લાબોલ

- text


 

મોરબી : મોરબીમાં ભર ઉનાળે અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. લોકોને પીવાનું પણ પૂરતું પાણી નથી મળી રહ્યું. નગરપાલિકા તંત્ર પણ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં ઉણું ઉતર્યું હોય તેવું લોકો કહી રહ્યા છે. ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારની મદીના સોસાયટીની મહિલાઓ આજે પાણી પ્રશ્ને નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી અને ઉગ્ર રજૂઆત સાથે પાણી આપવા કહ્યું હતું.

પાણી પ્રશ્ને રજૂઆત કરવા આવેલા આરીફાબેને મોરબી અપડેટને જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી અડધી સોસાયટીમાં પાણી આવે છે અને અડધી સોસાયટીમાં પાણી આવતું નથી. બે-ત્રણ વખત નગરપાલિકાએ રજૂઆત કરવા આવ્યા હતા પણ કોઈ જવાબ દેતું નથી. હવે જો પાણી નહીં આપે તો અમે નગરપાલિકામાં જ બેસી રહીશું.

અન્ય એક મહિલાએ જણાવ્યું કે, પાલિકામાં રજૂઆત કરીએ છીએ તો જવાબ મળે છે કે લાઈન ખોદી નાખી છે પાંચ દિવસમાં પાણી આવી જશે પરંતુ 15 દિવસ થવા છતાં પાણી આવતું નથી. પાણી વિના અમારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

મહિલાઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી અમે કચેરીમાં જ બેસી રહીને આંદોલન કરીશું. બે શેરી વચ્ચે એક ટેન્કર પાણી આપે છે તેમાં પણ પૂરતું પાણી મળતું નથી. તેથી અમારે ટેન્કરમાં પાણી જોઈતું જ નથી અમને નળમાં પાણી આપો.

- text

- text