વાહ રે રવાપર ગ્રામ પંચાયત ! પહેલા બહુમાળી બાંધકામોને મંજૂરી આપી, હવે ફાયર એનઓસીની નોટિસ

- text


ભૂકંપ ઝોન ચારમા આવતા રવાપરમાં આડેધડ બહુમાળી બાંધકામના ઢગલા

મોરબી : ભૂકંપ ઝોન ચારમાં સમાયેલ મોરબીમાં બહુમાળી ઈમારતોને મંજૂરી મળી શકતી ન હોવા છતાં મહાનગર પાલિકાને પણ ટક્કર આપે તેવા નિર્ણયો લઈ રવાપર ગ્રામપંચાયત દ્વારા આડેધડ બહુમહી બાંધકામો ખડકી દેવા મંજૂરી આપ્યા બાદ હવે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રવાપરના તમામ બહુમાળી કોમ્પ્લેક્સોને રવાપર ગ્રામ પંચાયતે ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરતા આશ્ચર્ય સર્જાયું છે.

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ મોરબી જિલ્લા કલેકટરે ફાયર એનઓસી મામલે કડક આદેશો કરતા જ મોરબીની રવાપર ગ્રામ પંચાયતને રેલો આવ્યો છે અને રવાપરની હદમાં આવેલ બહુમાળી ઈમારતોને ફાયર સેફટીને લગતા સાધનો લગાવવા આદેશ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના બિલ્ડીંગોમાં ફાયર એનઓસી ન હોવાની સાથે ફાયરના સાધનો પણ ન હોવાથી ભવિષ્યમાં આગજનની ઘટના બને તો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

- text

બીજી તરફ અત્યાર સુધી આડેધડ બહુમાળી ઇમારતોની મંજૂરી આપનાર ગ્રામ પંચાયત સાણસામાં આવતા જ હાલમાં રવાપરમાં આવેલા બહુમાળી ઈમારતોના પ્રમુખો સોસાયટી મેમ્બર બિલ્ડર સહીતનાને તેમના ફ્લેટમાં ફાયર સીસ્ટમ લગાવવા સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રવાપરમાં 500 જેટલા બિલ્ડીંગોને નોટિસ અપાશે

રવાપરમાં ખડકાયેલ 500 જેટલા બહુમાળી બિલ્ડીંગોને ધડાધડ નોટિસો ફટકારવામાં આવી રહી છે ત્યારે રવાપરના તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે મંગળવારે 104 બિલ્ડીંગ સાથે બુધવારે વધુ 100 મળી કુલ 500 જેટલા બિલ્ડીંગોને નોટિસ આપવામા આવશે. ઉલ્લેખનીય છે કે રવાપરમાં અમુક બિલ્ડીંગોમાં નિયમોનુસાર ફાયર સિસ્ટમ છે પરંતુ મોટાભાગના બિલ્ડીંગો ફાયર એનઓસીની વગરના હોવાનું પણ જાણવા મળે છે.

- text