મોરબીમાં લિફ્ટ માંગી યુવાનને લૂંટી લેનાર ત્રિપુટી ઝડપાઇ 

- text


ટોળકીનો સૂત્રધાર હરેશ ઉર્ફે હની ચોરી, મારામારીના અને દારૂના ગુન્હામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે : બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યા બાદ ગણતરીની કલાકોમાં આરોપીઓને દબોચ્યા 

મોરબી : મોરબીના ઘુંટુ નજીક બાઈક ચાલક યુવાનને મોરબી સુધી લઈ જવાનું કહી લિફ્ટ માંગનાર શખ્સે અન્ય બે શખ્સની મદદથી યુવાનને લૂંટી લેવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધાયાના કલાકોના સમયગાળામાં જ ત્રણેય લૂંટારૂઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે, નોંધનીય છે કેમ લૂંટારુ ટોળકીનો સૂત્રધાર હરેશ ઉર્ફે હની ચોરી, મારામારીના અને દારૂના ગુન્હામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સો ઓરડી નજીક જુના શોભેશ્વર રોડ ઉપર રહેતા અને ઉંચી માંડલ નજીક ઇવાલોક સિરામિક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા ફરિયાદી હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.44 ગત તા.14ના રોજ પોતાનું બાઈક લઈ કારખાનેથી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં એક અજાણ્યા માણસે મોરબી આવવું છે કહી લિફ્ટ માંગતા હિતેન્દ્રસિંહ આ અજાણ્યા ઇસમને સાથે બેસાડ્યો હતો.બાદમાં બાઈક આગળ ચાલતા જ આ અજાણ્યા શખ્સે કોઈ વ્યક્તિને ફોન કરી આગળ આવવા કહ્યું હતું અને બાઈક જ્યારે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામિક પાસે પહોચતા બાઈક પાછળ બેઠેલા હરેશ અને રવિ તેમજ અજય નામના શખ્સોએ હિતેન્દ્રસિંહનું બાઈક ઉભું રાખવી ખિસ્સામાં રહેલા રોકડા રૂપીયા 1200, મોબાઈલ ફોન અને રૂપિયા 20 હજારનું બાઈક લૂંટી મારકુટ કરી નાસી ગયા હતા.

- text

બીજી તરફ લૂંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓલાલપર તરફથી સર્વિસ રોડ ઉપર લગધીર રોડ તરફ આવતા હોવાની બાતમી મળતા સીટી બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી ત્રણ સવારી બાઇકમાં આરોપી અજયભાઈ શિહોરા (ઉ.વ.19), રવીભાઈ પનારા (ઉ.વ.23) અને હરેશભાઈ સારલા (ઉ.વ.23) રહે.તમામ થાન, જિલ્લો સુરેન્દ્રનગરની અટકાવી પૂછપરછ કરતા લૂંટ કર્યાની કબૂલાત આપતા ત્રણેયને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપી હરેશ ઉર્ફે હની સારલા સહિતના ત્રણેય શખ્સો સુમસામ જગ્યાએ ઉભા રહી લિફ્ટના બહાને વાહનમાં બેસી લૂંટ ચલાવવાની ટેવ વાળા હોવાનું અને હની ઉર્ફે હરેશ વિરુદ્ધ મોરબી, સાયલા, મુળી અને મહેસાણા સહિતના પોલીસ મથકમાં લૂંટ, મારામારી, દારૂ સહિતના આઠ ગુન્હા દાખલ થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

- text