મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કરતા કોંગ્રેસ પ્રમુખ

- text


ખાણ અને ખનીજ વિભાગના કમિશનરને લેખિતમાં રજુઆત : તાકીદે પગલાં લેવાની માંગ

મોરબી : મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચિખલીયા દ્વારા ખાણ અને ખનીજ વિભાગના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, મોરબી જીલ્લામાં અનેક પ્રકારના કુદરતી ખનીજ સંશોધન આવેલા છે અને તેનું ખનન પણ ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે. મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, એલ.સી.બી., તાલુકા તથા જીલ્લાના પોલીસ અધિકારીઓ, એસ.ઓ.જી., તથા આર.ટી.ઓ., વિભાગના અધિકારીઓ સામુહિક રીતે એકબીજાની મીલીભગતથી ઘણા સમયથી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મૌખિક જણાવવામાં આવ્યું છે. આ ખાણ ખનીજ વિભાગનો ભ્રષ્ટાચાર ભાજપના રાજકીય આગેવાનોના ઈશારે બેફામ રીતે ચાલતો હોય તેવું જણાય આવે છે. તે અંગે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનોની ભ્રષ્ટાચારની પોલ ખુલે તેમ છે.

- text

વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જીલ્લામાં ખનીજ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી સિરામિક ઝોન અને બાંધકામ ઝોન જેવા ક્ષેત્રોમાં ખનીજનો બેફામ ઉપયોગ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. તાજેત્તરમાં મોરબી જીલ્લામાં બહારના બીજા જીલ્લા અધિકારીઓ દ્વારા આ બાબતે રેડ પાડીને ભ્રષ્ટાચાર પકડી પાડવામાં આવ્યો છે. જો મોરબી જીલ્લા બહાર બીજા જીલ્લાના અધિકારીઓ દ્વારા આ બાબતે રેડ પાડીને ભ્રષ્ટાચારીઓને પકડી પાડે છે તો મોરબી જીલ્લાના અધિકારીઓ શું કરે છે ? જેવા પ્રશ્ન કરી તેની તાકીદે તપાસ કરવા માંગ કરાઈ છે.

ઉપરાંત મોરબી જીલ્લામાં ચાલતા ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચારમાં સરકારના અન્ય વિભાગના અધિકારીઓ, રાજકીય આગેવાનો તેમજ તેમના મળતીયાઓ સામે શા માટે કેમ કાયદેસરની કાર્યવાહી થતી નથી ? એવી શંકાઓ વ્યક્ત કરી તમામ બાબતે જવાબદારો સામે પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

- text