સિરામિક સીટી મોરબીના બગીચા ભંગારવાડામાં ફેરવાયા

- text


વેકેશનમાં બાળકો જાયે તો જાયે કહા તેવી સ્થિતિ

મોરબી : મોરબીમાં હાલ વેકેશનનો માહોલ છે ત્યારે પાલિકા હસ્તકના પાંચ જેટલા બગીચાઓ છે જેમાં એક પણ બગીચા સારા નથી કે જ્યાં બાળકોને ફરવા લઈ જય શકાય. તમામ બગીચાઓમ રમત ગમતના બાળ મનોરંજનના એક પણ સાધનો બાળકોને રમવા યોગ્ય રહ્યા નથી અને તમામ સાધનો ભંગારવાડામાં પડેલા ભંગાર જેવા બની જતા બાળકોને ફરવા ક્યાં લઇ જવા તે મોરબીના વાલીઓ માટે મોટી મુશ્કેલી બની છે.

સિરામિક સીટી તરીકે ઓળખાતા મોરબી શહેરમાંથી સરકારને કરોડોનું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે છતાં પણ વર્ષોથી મોરબીમાં ફરવા લાયક એક પણ સ્થળ નથી એક ઝૂલતો પુલ હતો તે પણ દોઢ વર્ષ પહેલા તૂટી ગયો હતો. ત્યારે હાલ વેકેશનનો માહોલ છે. ત્યારે મોરબીમાં પાલિકા હસ્તકના કેસર બાગ, શંકર બાગ, સુરજબાગ, સરદારબાગ, અને પંચાસર રોડ પરનો એમ કરી પાંચ જેટલા બગીચા છે જેમાં છેલ્લા ઘણા વર્ષોથી બગીચાની હાલત દયનિય છે. જેમાં બાળ મનોરંજનના એક પણ સાધનો રમવા લાયક રહ્યા નથી.

મોરબીના શનાળા રોડ પર આવેલો બગીચામાં હાલ એક પણ બાળ સાધનો રમવા યોગ્ય નથી રહ્યો. જયારે રેલવે સ્ટેશન રોડ પર આવેલ સૂરજ બાગની થોડા વર્ષ પહેલા લાખોના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યો હતો અને નવા સાધનો નાખવામાં આવ્યા હતા. પરંતુ આજની તારીખે ત્યાં એક પણ સાધન રમવા યોગ્ય રહ્યા નથી. તેમજ થોડા વર્ષ પહેલા પંચાસર રોડ પર નંદીઘર નજીક બગીચો બનાવ્યો હતો પણ એ માત્ર નામનો રહ્યો છે. જ્યાં એક પણ વૃક્ષ નથી અને ગાર્ડન જેવું નથી માત્ર સાધનો નાખ્યા છે. તે પણ હાલ જર્જરિત હાલતમાં છે. જયારે મચ્છુ નદી નજીક આવેલ શંકર બાગ છે ત્યાં પણ એક પણ બાળ મનોરંજના સાધનો નથી

જો કે, મોરબીનો એક માત્ર સારો અને સામાકાંઠે આવેલ રાજાશાહી વખતનો સૌથી મોટો કેસર બાગ છે, અહીં પણ બાળ મનોરંજનના એક પણ સાધન રમવા યોગ્ય નથી રહ્યા. આ બગીચો દિવસેને દિવસે નાનો થતો ગયો છે.જેમાં થોડા વર્ષ પહેલા ત્યારે પાણીની ટાંકી બનાવવા માટે બગીચો નાનો કરી નાખ્યો. ત્યારબાદ થોડા મહિના પહેલા ઓવરબ્રિજ માટે બગીચામાં જે સાધનો વાળો વિભાગ હતો તે કાપી નાખ્યો અને ત્યાં હાલ ઓવર બ્રિજના પીલર બનાવી નાખ્યા છે. આમ ધીમે ધીમે કરતા બગીચો સાવ નાનો કરી નાખ્યો અને બગીચાની દુર્દશા કરી નાખી છે.

- text

મોરબી પાલિકામાં બાગ બગીચાનો વિભાગ સાંભળતા ભટ્ટભાઈએ જણાવ્યું હતું કે પાલિકા હસ્તકના આવેલા સૂરજ બાગ, સરદાર બાગ, કેસરબાગ અને પંચાસર રોડ પરના બગીચામાં થોડા વર્ષ પહેલા જ નવા સાધનો નાખ્યા હતા. પણ ત્યાં આવારા તત્વોનો ત્રાસ હોય સાધનો રહેવા દીધા નથી અને બગીચાની સાર સંભાળ રાખતા કર્મચારીને પણ ગાંઠતા નથી.

- text