માળીયા (મી.)ના જુના દેરાળા-સરવડ રોડ પર કારની અડફેટે બાઈક સવાર માતા-પુત્રનું મોત

- text


માળીયા (મી.) : જુના દેરાળા અને સરવડ ગામની વચ્ચે ગઈકાલે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કારની અડફેટે બાઈક પર જઈ રહેલા માતા-પુત્રનું મોત થયું છે. કામ અર્થે સરવડથી દેરાળા તરફ પરત ફરી રહ્યા હતા તે સમયે અર્ટીકા કારના ચાલકે બાઈક પર જઈ રહેલા માતા-પુત્રને અડફેટે લીધા હતા. જેમાં બન્નેના મોત નિપજ્યા છે. અકસ્માતના આ બનાવમાં માતા- પુત્રના મોત થયા માળીયા પોલીસે બનાવની નોંધ કરીને હાલ અકસ્માત સર્જીને ભાગી છુટેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.

- text

સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો માળીયા મિયાણા તાલુકાના જુના દેરાળા ગામે રહેતા કરઝાનાબેન ઝાકીરહુશૈનભાઇ ખોરમ તેમજ તેમનો 16 વર્ષનો પુત્ર શાહનવાજ ઝાકીરહુશૈનભાઇ ખોરમ બંને કામ અર્થે બાઈક પર સરવડ ગામ બાજુ ગયા હતા અને ગઈકાલે બપોરના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં બંને બાઇક લઇને પરત જુના દેરાળા ગામ બાજુ જતા હતા. ત્યારે જુના દેરાળા-સરવડ રોડ ઉપર અજાણ્યા અર્ટીકા કારના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું. સામેના ભાગેથી બાઇકને હડફેટ લેવામાં આવતા સર્જાયેલ ગંભીર અકસ્માતના બનાવમાં ઘટના સ્થળે જ માતા-પુત્રના મોત નિપજયા હતા. જેથી બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયા હતા. માતા-પુત્ર બન્ને એકલા જ રહેતા હતા. અકસ્માત સર્જીને ભાગી છૂટેલા કાર ચાલકને પકડવા માટે માળીયા મિયાણા પોલીસ મથકના સંજયભાઈ બાલાસરા તથા સ્ટાફ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

- text