ફાયર એનઓસી નહીં હોય તો સીધો જ ગુન્હો દાખલ કરાશે : તમામ કલેકટરોને આદેશ

- text


મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ તેમજ પબ્લિક અવર-જવર વાળા તમામ જાહેરસ્થળોની તપાસ કરવા કડક સૂચના

મોરબી : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે, હાઇકોર્ટે દાખલ કરેલ સુઓમોટો કેસમાં ફાયર સેફટીને લઈ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશને ઘોળી પી જવામાં આવ્યો હોવાની ટકોર બાદ રાજ્ય સરકારે તમામ કલેક્ટરોને ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજનની પ્રવૃત્તિ થતી હોય તેવા તમામ સ્થળોએ ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવે, તથા જ્યાં પરવાનગી લેવામાં આવી ન હોય ત્યાં ગુનો નોંધવા આદેશ કર્યો છે.

શનિવારે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગ્નિકાંડ સર્જાયા બાદ 30નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લેવાતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરી સરકારનો જવાબ માંગવામાં આવ્યો હતો સાથે જ સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના આદેશ છતાં અમલદારો ફાયર સેફટીના અમલમાં ઢીલા રહ્યા હોય કન્ટેમ્પટ ઓફ ધ કોર્ટ કરવાની ચેતવણી આપતા જ રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે કે જેની પાસે ફાયર એનઓસીના હોય તેની સામે ગુનો નોંધવામાં આવે

- text

રાજ્ય સરકારના આ આદેશ મુજબ રાજ્યમાં રાજકોટની ઘટનાનું ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં તમામ શહેરોના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે જણાવવામાં આવ્યું છે.સાથે જ દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા તાકીદ કરી દરેક એકમમાં ફાયર એનઓસી છે કે નહીં તેની ચકાસણી કરવા અને જ્યાં જ્યાં ફાયર એનઓસી નહીં હોય તો એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ પગલાં ભરવા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.

- text