- text
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના પાંચ ગામોમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. પીવાનું પાણી ન આવતું હોય ભર ઉનાળે ગ્રામજનો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. જે અંગે આજે પાણીની સમસ્યા સામે લડી રહેલા ગામના સરપંચો મોરબી કલેક્ટર અને પાણી પુરવઠા ઓફિસમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પાણી પૂરું પાડવા ઉગ્ર રજૂઆત કરી હતી.
માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા, વર્ષામેડી, જાજાસર, જશાપર, મોટી બરાર, નાની બરાર, દેવગઢ ગામમાં એક મહિનાથી પીવાનું પાણી ન આવતું હોવાનું સરપંચો જણાવી રહ્યા છે. અને પાણી ન આવવા પાછળ ભૂતિયા કનેક્શન જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે સરપંચોએ આજે જિલ્લા કલેક્ટર અને પાણી પુરવઠા વિભાગમાં લેખિત રજૂઆત કરીને ભૂતિયા કનેક્શન સામે કાર્યવાહી કરીને ગ્રામજનોને પાણી પૂરું પાડવા ઉગ્ર રજૂઆત કરી છે.
મોટા દહીંસરા ગામના સરપંચ જશાભાઈ ડાંગરે જણાવ્યું કે, અમારા ગામમાં એક પણ ટીપું પાણી મળતું નથી. રજૂઆત કરીએ તો પાણી ચાલું છે તેમ કહે છે પરંતુ પાણી આવતું નથી. 50 ટકાથી વધુ પાણી ભૂતિયા કનેક્શન ધરાવતા લોકો લઈ જાય છે. જ્યાં સુધી ભૂતિયા કનેક્શન દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી એકપણ ગામને પાણી મળશે નહીં. તેથી તાત્કાલિક ભૂતિયા કનેક્શન દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે. મોરબીથી પીપળીયા ચાર રસ્તા પછી આવતા તમામ ગામમાં ભૂતિયા કનેક્શનનો પ્રશ્ન છે. પહેલા અમારો સંપ દોઢ કલાકમાં ભરાઈ જતો હતો પરંતુ અત્યારે 5 કલાક થવા છતાં સંપ ભરાતો નથી.
- text
ખીરસરા ગામના છગનભાઈએ જણાવ્યું હતું કે, એક મહિનાથી પાણી નથી આવતું. ઉનાળામાં પાણી વિના ખૂબ તકલીફ પડે છે. અનેક વખત રજૂઆતો કરી છતાં પાણી આવતું નથી.
- text