TRP Game zone fire case: PI વી.આર. પટેલને આ કારણોસર કરાયા સસ્પેન્ડ 

- text


મોરબી : રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનામાં અનેક જિંદગી હોમાઈ ગઈ છે. જેમાં ગેમઝોન સંચાલકો અને માલિકોની સાથે સાથે કેટલાક સરકારી અધિકારીઓની બેદરકારી બહાર આવી છે.

આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી 6 સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં ગુજરાત પોલીસના બે પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. સસ્પેન્ડ કરાયેલા રાજકોટના પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર. પટેલે જે તે વખતે ટીઆરપી ગેમ ઝોનની તપાસમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે જેથી તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

પ્રાથમિક તપાસ બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પીઆઈ વી.આર. પટેલને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યા છે. વી.આર. પટેલને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ આપતા જણાવાયું છે કે, વી.આર. પટેલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 દરમિયાન થાણા ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન રેસ-વે એન્ટરપ્રાઈઝની એમ્યુઝમેન્ટ પાર્ક ચાલુ કરવા અંગે બુકિંગ લાઈસન્સ આપવા અંગેની રાજકોટ પોલીસ કમિશનરને અરજી મળતાં વી.આર. પટેલને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા અને વિગતવાર તપાસ કરીને અભિપ્રાય આપવા જણાવાયું હતું. ત્યારબાદ વી.આર. પટેલે પોલીસ કમિશનરને તપાસ રિપોર્ટ મોકલ્યો હતો જેમાં અરજદારે ફાયર વિભાગની એનઓસી પ્રમાણપત્ર તેમજ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી(પીજીવીસીએલ)નું એનઓસી મેળવ્યું ન હોવા છતાં લાઈસન્સ આપવા પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો. આમ વી.આર. પટેલે ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું ધ્યાને આવ્યું છે. તેથી તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સસ્પેન્ડ બાદ તેઓને ડાંગ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેવા આદેશ કરાયો છે.

- text

- text