- text
મોરબી : એલ્ડર હેલ્પલાઈન (14567) મોરબી દ્વારા વાંકાનેરનાં ગ્રીન ચોકમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા નિ:સહાય વૃદ્ધાને મદદ પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.વાંકાનેરનાં ગ્રીનચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર રખડતું-ભટકતું જીવન જીવતા અમીનાબેન અલારખાભાઈ ફકીર (ઉ.વ. આશરે 80) ગત શનિવારે રસ્તા પર પડી ગયા હતાં અને ધોમધખતા તાપમાં નિ:સહાય બની ગયા હતા.
મોરબી એલ્ડર હેલ્પલાઇનના રાજદીપભાઈ પરમારને આ બાબની જાણ થતાં તેઓ એલ્ડરલાઈનના સિનિયર અધિકારીના માર્ગદર્શન હેઠળ સામાજીક કાર્યકર સતિષભાઈ તલસાણીયા સાથે તરત જ ઘટના સ્થળે દોડી ગયા બાદ પીડિત વૃદ્ધાને 108 એમ્બ્યુલન્સ મારફત વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા અને સામાજીક કાર્યકર હસીનાબેન તથા શરીફાબેન શેખ સહિતનાઓ વૃદ્ધાના કુટુંબીજનોને શોધી, સંપર્ક કરી તાત્કાલિક વાંકાનેર બોલાવ્યા હતા. ત્યારબાદ રાજકોટ રાંદેડા વિસ્તાર ખાતે રહેતા પીડિતા વૃદ્ધાના એકનાએક પુત્ર બાબુભાઇ અને તેમના કુટુંબીજનો વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવીને અમીનાબેનને પોતાની સાથે લઈ જવા અને સારસંભાળ રાખવાની લેખિત ખાત્રી આપતા અમીનાબેનને તેના પુત્રને સોંપવામાં આવ્યા હતા.
- text
- text