મોંઘી બોટલમાં સસ્તો દારૂ !મોરબીના વધુ એક નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ

- text


મોરબી એલસીબી ટીમે રણછોડનગરમાંથી કૌભાંડ ઝડપી લીધું : નકલી બોટલ, ઢાંકણ, ડિસમિસ સહિતનો મુદામાલ કબ્જે, આરોપી ફરાર

મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક તાજા ભૂતકાળમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાયા બાદ મોરબી એલસીબી ટીમે ગઈકાલે મોરબીના રણછોડનગર વિસ્તારમાં દરોડો પાડી સસ્તો દારૂ મોંઘી બોટલમાંઆ ભરવાનું જબરું કારસ્તાન ઝડપી લીધું હતું. જો કે દરોડા દરમિયાન આરોપી હાથ ન લાગતા પોલીસે નકલી દારૂની બોટલ ભરવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી કબ્જે કરી આરોપીને ફરાર જાહેર કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રણછોડનગરમાં રહેતો આરોપી અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ નામનો શખ્સ પોતાના રહેણાંકમાં સસ્તો દારૂ મંગાવી બાદમાં આ દારૂ અન્ય બ્રાન્ડેડ મોંઘી બોટલમાં ભરી નકલી સ્ટીકર, ઢાંકણ લગાવી વેચતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની 41 બોટલ કિંમત રૂપિયા 14,350, બોટલ ઉપર લગાવવાના નકલી સ્ટીકર નંગ 640, અલગ અલગ બ્રાન્ડની બ્રાન્ડેડ દારૂની 396 ખાલી બોટલ, ટેપરોલ, ગરણી ડિસમિસ, ઇન્જેક્શન તેમજ મીણબત્તી સહિતનો 14,490નો મુદામાલ કબ્જે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આરોપી અલ્તાફ ઉર્ફે રાજા નામનો શખ્સ સસ્તા ભાવે આવતી દારૂની બોટલ મંગાવી બાદમાં વેટ 69, બ્લેન્ડર, બ્લેક ડોગ સહિતની ખાલી બોટલમા ભરી નકલી સ્ટીકર લગાવી સસ્તો દારૂ મોંઘા ભાવે વેચવાનું તરકટ રચ્યું હતું. આ ડુપ્લીકેટ દારૂની મીની ફેકટરી મામલે મોરબી એલસીબી પોલીસે અલ્તાફ ઉર્ફે રાજા તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

- text

- text