અનેક મૃતદેહ પુરુષ છે કે સ્ત્રી ઓળખી શકાય તેમ જ નથી : એફઆઈઆરમાં ઘટસ્ફોટ 

- text


મોતના ગેમઝોનમાં ધવલ કોર્પોરેશન નામની પેઢીએ ફાયર એનઓસી જ ન મેળવ્યાનું પણ ખુલ્યું : ત્રણ વ્યક્તિના જીવ બચી ગયા 

મોરબી : રાજકોટના કાલાવડ રોડ ઉપર મોકાજી સર્કલ નજીક સયાજી હોટલ પાછળ ગઈકાલે ટીઆરપી ગેમઝોનમાં આગ રૂપે ખેલાયેલ મોતના તાંડવમાં પોલીસે 28 નિર્દોષ લોકોના મૃત્યુ મામલે બે પાર્ટી પ્લોટની જગ્યામાં મહાકાય ગેમઝોન ખડકી દેનાર ધવલ કોર્પોરેશન તેમજ રેસ-વે એન્ટરપ્રાઈઝના 6 ભાગીદારો અને તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ચોંકાવનારી વાત તો એ છે કે, મૃત્યુ પામેલા હતભાગીઓમાં અનેક મૃતદેહો તો એવા હતા કે જેમાં કોણ પુરુષ છે અને કોણ સ્ત્રી છે એ ઓળખ પણ શક્ય ન હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે આ ગોઝારી દુર્ઘટનામાં એક મહિલા અને બાળક સહીત ત્રણના જીવ બચી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટમાં તા.25 મેની ગોઝારી સાંજના 28-28 નિર્દોષ માનવજિંદગીનો ભોગ લેનારી ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પ્રજ્ઞેશકુમાર ભીખાભાઇ ત્રાજીયા ફરિયાદી બન્યા છે. મોરબી તાલુકા પોલીસ મથકમાં તેઓએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે શનિવારે સાંજે 5.47 મિનિટે પીસીઆર વાનને મળેલા કોલ બાદ બનાવની જાણ થતા તાલુકા પોલીસની ટીમ બના સ્થળે દોડી ગઈ હતી, બનાવ સ્થળે જોતા જે.એસ.પાર્ટી પ્લોટ તેમજ આશુતોષ પાર્ટીપ્લોટ નામની જગ્યામાં આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપ્રાઇટર ધવલ ભરતભાઈ ઠક્કર અને રેસ-વે એન્ટરપ્રાઈઝના ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશ કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડ સહિતના છ ભાગીદારો દ્વારા 60 મીટર લાબું અને 50 મીટર પહોળું બેથી ત્રણ માળનું ફેબ્રીકેશન અને પતરાનું ઇન્ડોર ગેમ ઝોન બનાવી ફરતી બાજુએ ગોકાર્ટ વગેરે રમત માટે મેદાન બનાવેલ હતુ જેમાં આગ લાગતા આ દુર્ઘટનામાં કુલ 28 મૃતદેહોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

- text

વધુમાં ગેમઝોન અગ્નિકાંડ મામલે ફરિયાદ નોંધાવનાર પીએસઆઇ ત્રાજીયાએ એફઆરઆઇમાં જણાવ્યું હતું કે, બનાવ સ્થળે હાજર રાજકોટ મહાનગર પાલિકાના ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, ગેમઝોનના સંચાલકોએ ફાયર એનઓસી મેળવવા માટે ક્યારેય અરજી પણ કરી ન હોવાનું તેમજ ફાયર એનઓસીની મંજૂરી પણ ન હોવાની સાથે ગેમઝોનના સંચાલકોએ અગ્નિશમન માટેના સાધનો પણ વસાવ્યા ન હોવાનું જણાવી ગેમઝોનના સંચાલકોએ પત્રના શેડમાં અલગ અલગ વિભાગો બનાવી મોટાપ્રમાણમાં ઇલેક્ટ્રિક વાયરિંગ તેમજ એસીના વેન્ટ બનાવ્યા હોય આગ લાગે તો કોઈ સંજોગોમા આગ બુઝાવી શકાય તેવી વ્યવસ્થા જ ન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લખનીય છે કે આ ગોઝારી દુર્ઘટનામાં ધૂમિલભાઈ કેતનભાઈ કુંજડિયા ઉ.10, મનીષભાઈ રમેશભાઈ ખીમસુરિયાં ઉ.21 અને જીજ્ઞાબા વિરેન્દ્રસિંહ જાડેજા ઉ.41 નામના મહિલાને ઈજાઓ પહોંચતા હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે,

સાથે જ ટીઆરપી ગેમ ઝોનમાં આગને કારણે મૃત્યુ પામેલા કુલ 28 નિર્દોષ લોકોમાં કેટલાક મૃતદેહો તો એવા હતા કે, હતભાગીઓ સ્ત્રી હતા કે પુરુષ હતા તેવી ઓળખ મેળવવી પણ મુશ્કેલ હોવાનું પોલીસ એફઆઇઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સમગ્ર મામલે હાલમાં તાલુકા પોલીસે ધવલ ભરતભાઈ ઠક્કર અને રેસ-વે એન્ટરપ્રાઈઝના ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશ કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડ સહિતના છ ભાગીદારો તેમજ તપાસમાં એ ખુલે તે તમામ વિરુદ્ધ પોતાના ગેમ ઝોનમાં નિર્દોષ લોકોની જિંદગી જોખમાઈ તે રીતે ફાયર એનઓસી મેળવ્યા વગર મનુષ્ય જીવ જાય તેવું જાણતા હોવા છતાં અગ્નિશમનના સાધનો ન રાખી ગેમઝોન ચાલુ રાખતા આ દુર્ઘટના સર્જાતા આઇપીસી કલમ 304,308, 337,338 અને 114 મુજબ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text