લોલમલોલ..મોરબીના એક પણ ગેમઝોન પાસે ફાયર NOC કે અન્ય જરૂરી મંજૂરી જ નથી 

- text


પાલિકા તંત્રએ ક્યારેય ગેમઝોનમાં ફાયર એનઓસી મામલે તપાસ જ નથી કરી : 

ત્રણેય ગેમઝોનને બંધ કરાવતા મોરબી તાલુકા મામલતદાર : સિનેમા અને મોલમાં પણ તપાસ 

મોરબી : રાજકોટમાં ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાતા 30થી વધુ માનવ જિંદગીનો ભોગ લેવાયા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રાજ્યભરમાં આવેલા ગેમઝોન, સિનેમાઘર અને મોલમાં ફાયરસેફટી સહિતના મુદ્દે તપાસના આદેશ આપતા મોરબીમાં 6-6 અધિકારીઓની બે ટીમોએ સિનેમા, મોલ અને ગેમઝોનમાં તપાસ કરતા એકપણ ગેમઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવતા ત્રણેય ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે, બીજી તરફ જવાબદાર પાલિકા તંત્રએ ફાયર એનઓસી મામલે ક્યારેય તપાસ જ ન કર્યાનું પણ સામે આવ્યું છે.

રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકો હોમાઈ જતા રાજ્ય સરકારના આદેશ બાદ મોરબી જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ કરી મોરબી મામલતદાર, આર એન્ડ બી, ફાયર ઓફિસર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓની બે અલગ – અલગ ટીમની રચના કરી કુલ 12 અધિકારીઓને તપાસ માટે દોડાવતા મોરબીમાં ધમધમતા યોગાટા, લેવલ અપ અને થ્રિલ એન્ડ ચિલમાંથી એક પણ ગેમઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતાએ જણાવ્યું હતું.

બીજી તરફ મોરબી જિલ્લા કલેકટરની ટીમે મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં આવેલ સિનેમાઘર, મોલ અને ગેમઝોન સહિતની 15 જગ્યાએ તપાસ બાદ હાલમાં ત્રણેય ગેમઝોનના સંચાલકોને ધંધા બંધ કરાવી દીધા હોવાનું અને ફાયર એનઓસી, સ્ટ્રક્ચર એનઓસી સહિતની પરવાનગી ન મળે ત્યાં સુધી ગેમઝોન બંધ રાખવા મામલે લેખિતમાં બાંહેધારી મેળવી હોવાનું સામે આવ્યું છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે, સિનેમા, મોલ કે ગેમઝોનમાં ફાયર એનસોસી આપવાની જેમની જવાબદારી છે તેવા પાલિકા તંત્રએ કદી પણ ગેમઝોનમાં આ મામલે તપાસ શુધ્ધા ન કરી હોવાનું સામે આવ્યું છે.

- text

- text