મારી આગળ પાછળ કોઈ નથી રહ્યું, હવે જો કસુરવારોને જામીન મળ્યા તો હું તેને મારી નાખીશ

- text


મારા પરિવારના 8 વ્યક્તિ ગેમઝોનમાં હતા, ત્રણ મળી ગયા, પાંચ હજુ લાપતા : પરિવારનો માળો વિખાય ગયા બાદ રાજકોટના પ્રદીપસિંહે કહ્યું હવે હું મારી તૈયારીમાં, આને ધમકી સમજો તો ધમકી પિતાની વેદના સમજો તો વેદના

મોરબી : રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાથી મોતનું તાંડવ મચ્યું હતું. તેવામાં આ ઘટનામાં હવે ગેમઝોનની અનેક બેદરકારીઓ ખુલી રહી છે. ત્યારે આ ઘટનાએ જેમનો પરિવારનો માળો વિખી નાખ્યો તેવા રાજકોટના પ્રદીપસિંહે કહ્યું કે હવે તો જો કસુરવારોને જામીન મળ્યા ને બહાર નીકળ્યા તો હું તેને મારી નાખીશ.

પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, પરિવારના 8 જણા હતા, જેમાંથી ત્રણ સભ્યો મળી ગયા છે, પાંચ મીસિંગ છે એમાં મારો દીકરો રાજભા છે. બીજા મારા સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે. એક મોટા ભાઈની દીકરી છે અને એક એમના સાળા. એટલે ટોટલ પાંચ જણાની એળખ થાતી નથી. ઘરેથી 4 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. ગેમ ઝોન ખાતે પહોંચ્યાની 15-20 મીનિટમાં જ આ ઘટના ઘટી. અમારા ત્રણ ફેમિલી મેમ્બરના ફોન આવ્યા હતા કે અહીંયા આગ લાગી છે અને ઉપર ભડાકા-ધુમાડા થાય છે. હજી ફાયર બ્રિગેડ પણ આવ્યું નથી. આ લોકો કોઈ જવાબ આપતા નથી. 20-25 લોકો હતા એ દરવાજા બંધ કરી નીકળી ગયા હતા. એમા મારા સાઢુભાઈ અને એમના સાળા બે નીચે હતા. એ બચાવવા માટે ઉપર ગયા ત્યાંતો આ લોકોએ પાછળથી કાચનો દરવાજો બંધ કરી દીધો. જે હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો એમા તમે જોઈ શકો છો.

- text

ગેમ ઝોનની બેદરકારી વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે, એ લોકોએ બીજા માળે 1500 લીટર ડિઝલ, ગેમ કાંટા હકાવવા 1300 લીટર જેટલું પેટ્રોલ રાખ્યું હતું. નીચે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એમણે ચાલુ કરી દીધો હતો. એની સાથે સાથે તણખો ઉડતા સીધુ બ્લાસ્ટ જ થયું. એટલે કોઈને બચવાનો ટાઈમ જ ના મળ્યો. 45 સેકન્ડમાં જ બધી ઘટના ઘટી ગઈ. ચાર વર્ષથી કોઈ જ ફાયર NOC નથી. એ દિવસે 99 રૂપિયાની સ્કીમ રાખી હતી એટલે ત્યા ડબલ પબ્લિક હતું.

પ્રદિપસિંહે વધુમાં જણાવતા કહ્યું કે, મારી માંગણી એ છે કે, સરકાર ફાંસીની સજા દે, કોઈ પણ વકીલ આમનો કેસ હાઈકોર્ટમાં કે સુપ્રિમમાં ના લડે. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થાતી હોય એનાથી બે લાખ રુપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજુ કે મારે કોઈ સરકારી સહાય જોઇતી નથી. મને જે સરકારી સહાય મળશે એ હું જેને જરુરીયાત હોય એને આપી દઈશ. જો આ લોકોને કોઈપણ જાતની સજા પડે એના પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળપાછળ કાઈ છે નહીં. મારું જે હતું એ બધુ જતું રહ્યું છે. હવે આને તમે ધમકી સમજો તો ધમકી અને એક બાપની વેદના સમજો તો વેદના જે રીતે લેવું હોય એ રીતે લઈ શકો.

- text