મોરબીના લાલપરમાં મીઠાના ગોદામમાંથી રૂ. 5.73 લાખનો દારૂ નીકળ્યો

- text


અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલે કરોડો રૂપિયાનો દારૂ પકડયા બાદ મીઠું હટાવતા જ વધુ દારૂ નીકળ્યો

મોરબી : મોરબીના લાલપર ગામ નજીક મીઠાના ગોદામની આડમાં વિદેશી દારૂના કારોબારનો પર્દાફાશ કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ અહીંથી કરોડોનો વિદેશી દારૂ પકડાયો હતો. આ ગોદામમાં પડેલ મીઠાની 450 બોરીઓ હટાવવામાં આવતા ગઈકાલે વધુ 5.73 લાખનો દારૂ મળી આવતા પોલીસે ગોદામ ભાડે રાખનાર બે આરોપીઓ વિરુદ્ધ વધુ એક ગુન્હો દાખલ કર્યો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર નજીક આવેલ લાલપર એસ્ટેટમાં શ્રી રામ નામના ગોડાઉનમાં અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડયા બાદ ગોડાઉનમાં પડેલ મીઠાનો જથ્થો હટાવવા મામલે ગોડાઉન માલિક ભવાનસિંહ ઉર્ફે લાલભા વિક્રમસિંહ જાડેજાએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ અને એસઓજી ટીમની હાજરીમાં મીઠાની 450 બોરીઓ હટાવવાની શરૂ કરતા જ બોરીઓ નીચેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારી ભરેલી પેટીઓનો ખજાનો નીકળી પડ્યો હતો.

વધુમાં પોલીસે નમકની બોરી હટાવવા દરમિયાન અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 180 મીલી માપની પ્લાસ્ટિકની 5448 બોટલ કિંમત રૂપિયા 5,73,600 મળી આવતા ગોદામ ભાડે રાખનાર અમદાવાદના જીમિત શંકરભાઇ પટેલ અને ગોડાઉન સંચાલક રમેશ પુંજાભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ વધુ એક ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text