રાજકોટ ગેમઝોન આગ : SITમાં 5 અધિકારીઓને સ્થાન, 72 કલાકમાં પ્રાથમિક તપાસ કરી સરકારને કરશે રિપોર્ટ

- text


સીઆઇડી ક્રાઈમના અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીને બનાવાયા અધ્યક્ષ : 10 દિવસમાં તપાસનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે 

મોરબી : રાજકોટની ગેમઝોન આગ દુર્ઘટનામાં મોતનું તાંડવ થયું છે. ત્યારે સરકારે પણ એલર્ટ થઈને તુરંત SITની રચના કરી દીધી છે. જેમાં 5 અધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ અધિકારીઓ અત્યારથી જ કામે લાગી ગયા છે.

SITમાં સીઆઇડી ક્રાઈમના અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે સભ્ય તરીકે ટેક્નિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધિ પાની, ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ડાયરેક્ટર એચ.પી.સંઘવી, અમદાવાદ ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડીયા અને માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલ સુપ્રિટેન્ડિંગ એન્જીનીયર એમ.બી.દેસાઈને સ્થાન આપવામાં આવ્યું છે.

- text

આ પાંચ અધિકારીઓની કમિટી 72 કલાકમાં પ્રાથમિક અહેવાલ અને 10 દિવસમાં વિસ્તૃત અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવાનો થશે. પ્રાથમિક અહેવાલમાં જ્યાં સંજોગો અને ક્યાં કારણોસર આગનો બનાવ બન્યો ?, ગેમિંગ ઝોનની મંજૂરી આપવામાં આવેલ છે કે કેમ ?, ગેમિંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાને લેવામાં આવી હતી ?, ગેમિંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ ? અને બંધકામ નિયમોનુસાર કરવામાં આવ્યું હતું કે કેમ ? ફાયર વિભાગની એનઓસી લેવામાં આવી હતી કે કેમ ? ગેમિંગ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શુ વ્યવસ્થા કરવામાં આવી હતી ? ગેમિંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા કરવામાં આવી હતી ? આ બનાવના સંબંધમાં સ્થાનિક તંત્ર અને ગેમિંગ ઝોનના સંચાલક તેમજ અન્ય કોઈ ઇજારદારની બેદરકારી છે કે કેમ ?ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટે નિવારક પગલાં સહિતની તપાસ કરી તેનો અહેવાલ સરકારને આપશે.

- text