લોકો તરસ્યા, ખેતર હરિયાળા ! વાંકાનેરના કાછીયાગાળામા સિંચાઈ માટે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

- text


પાણી પુરવઠા વિભાગની લાઈનમાં ભંગાણ કરાતા પોલીસ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામને પીવાના પાણી માટે નાખવામાં આવેલ જૂથ યોજનાની પાણીની લાઈનમાંથી ખેતરમાં સિંચાઈ માટે પાણીની લાઈનમાં ભંગાણ કરી ખેતી કરવામાં આવતી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા પાણીની લાઈનના કોન્ટ્રાકટરના માણસ દ્વારા પાણી ચોરી કરતા ખેડૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામને પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા જૂથ યોજના હેઠળ પાણીની લાઇન નાખવામાં આવી છે, આ પાણીની પાઇપલાઈનમાં લાંબા સમયથી ભંગાણ કરી કાછીયાગાળા ગામના સર્વે નંબર 177 પૈકી 7 પૈકી 1ના વાડી માલિક અશોક પરસોતમ અણિયારિયા દ્વારા પાણી ચોરી કરવામાં આવતી હોય પાણી પુરવઠા બોર્ડના ઈજનેર અને વાલ્વમેન દ્વારા આ મામલે પાઈપલાઈનના નિભાવણી કરવાનો કોન્ટ્રાકટ ધરાવતી પેઢીને જાણ કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે, પાણી પુરવઠા બોર્ડ દ્વારા જ્યાં જ્યાં આવી લાઈનો નાખવામાં આવી હોય ત્યારે પાઈપલાઈનમાંથી પાણી ચોરી ન થાય તે માટે જે તે કોન્ટ્રકટરને પાઈપલાઈનનું પેટ્રોલિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવતી હોય છે પરંતુ આવું પેટ્રોલિંગ કરવામાં ન આવતું હોવાની સાથે ખેડૂતો સાથે સોદા બાજી કરવામાં આવતી હોય આવી ઘટના બનતી હોય છે, હાલમાં પાણી ચોરી કરતા ખેડૂત વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- text