મોરબીમાં પાણીનો જગ કેમ નથી આપી જતો કહી યુવાનને માથામાં લાકડું ફટકારી દેવાયું

- text


મોરબીના રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાં બનેલ બનાવ

મોરબી : મોરબીના રેલવે સ્ટેશન પાછળ આવેલ રોહિદાસપરા વિસ્તારમા ફિલ્ટર પાણીના જગ વેચાણ કરતા વેપારીના ભાઈને તું કેમ અમારા ઘેર પાણીનો જગ નથી મૂકી જતો કહી મહિલા બોલાચાલી કરતી હતી ત્યારે મહિલાના પુત્રએ માથામાં લાકડાનો ધોકો ફટકારી ફ્રેક્ચર કરી નાખતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે રોહિદાસપરામા રહેતા પાર્વતીબેન મોતીભાઈ કાટીયાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના મોટા પુત્ર કાંતિભાઈ ફિલ્ટર પાણીના જગ મંગાવી વેચાણ કરતા હોય પડોશમાં રહેતા હીનાબેન નામના મહિલા જોર જોરથી બોલી અમારા ઘેર પાણીનો જગ આપી જાવ તેમ કહેતા હોય પાર્વતીબેને જવાબ આપ્યો ન હતો.

બાદમાં હીનાબેન જોર જોરથી વધુ બોલવા લાગતા પાર્વતીબેનના નાના પુત્ર જયેશભાઈએ બહાર નીકળી કહ્યું હતું કે મારા ભાઈ બહાર ગયા છે અને મને મજા નથી તો પરિસ્થિતિ સમજો, આમ વાત કરતા હતા ત્યારે જ હીનાબેનનો પુત્ર રાહુલ ખીમજીભાઈ શ્રીમાળી અચાનક ધસી આવ્યો હતો અને જયેશભાઈને માથામાં લાકડું ફટકારી દેતા જયેશભાઈને માથામાં ફ્રેક્ચર થતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પાર્વતીબેનની ફરિયાદને આધારે પોલીસે આરોપી રાહુલ શ્રીમાળી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text