સગીર ભત્રીજીનું શિયળ લુંટનાર ફુવાને 20 વર્ષની કેદ

- text


મોરબી કોર્ટે હળવદના શિરોઈ ગામના કેસમાં 4 લાખનું કંપેસેશન ચૂકવવા આદેશ કર્યો : ચકચારી કેસમાં પોલીસે 6 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું

મોરબી : હળવદ તાલુકાના શિરોઈ ગામે ખેતમજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની સગીરવયની દીકરીનું શિયળ લૂંટનારા કૌટુંબિક ફુવાને મોરબી કોર્ટે 20 વર્ષની કેદ અને 20 હજાર દંડ ફટકારતો હુકમ કરી આ ગંભીર બનાવામાં ભોગ બનનારને રૂપિયા 4 લાખ કંપેસેશન ચૂકવવા આદેશ કર્યો હતો, આ ગંભીર કેસમાં પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સને આકરી સજા મળે તે માટે માત્ર 6 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

- text

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2022માં હળવદ તાલુકાના શિરોઈ ગામની સીમમાં ખેતમજૂરી કરવા આવેલા મધ્યપ્રદેશના ખેતશ્રમિક પરિવારની અગિયાર વર્ષની દીકરીને કૌટુંબિક ફુવાએ એકલતાનો લાભ લઇ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારતા બનાવ અંગે ભોગ બનનારના માતાએ હળવદ પોલીસ મથકમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખીમલાભાઇ ભાભોર રહે.બકચીયા મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લઈ માત્ર છ જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધું હતું. આ કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટ અને એડિશનલ સેસન્સ જજ દિલીપભાઈ પી.મહીડાની કોર્ટમાં ચાલી જતા 10 મૌખિક અને 25 દસ્તાવેજી પુરાવા ઉપરાંત મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારિયાની દલીલો ધ્યાને લઈ કોર્ટે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખીમલાભાઇ ભાભોરને 20 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે, સાથે જ ભોગ બનનારને રૂપિયા 4 લાખનું કંપેસેશન તેમજ આરોપી દંડની રકમ ચૂકવે તે રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.

- text