તૌબા..તૌબા ગરમી : મોરબીમાં A.C.નાં વેચાણમાં નોંધાયો જબરો વધારો

કાળઝાળ ગરમીમાં એસી બગડવાની પણ વ્યાપક ફરિયાદો, કારીગરો મળતા નથી

મોરબી : મોરબીમાં હિટવેવ વચ્ચે સૂર્ય નારાયણ આકરો મિજાજ દેખાડતા જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. દિવસ તો ઠીક પણ રાત્રે પણ લોકો ઘરમાં ન રહી શકે તેવી ગરમીનો એહસાસ થઈ રહ્યો છે. જેની સીધી અસર A.C.ની બજારમાં જોવા મળી છે. હાલમાં છેલ્લા સપ્તાહમાં મોરબીની બજારમાં A.C.ની માંગમાં પણ જબરો વધારો જોવા મળ્યો છે, સાથે જ નાના – મોટા કુલરોની માંગમાં પણ વધારો થયો છે. બીજી તરફ આકરી ગરમીમાં એસી રીપેરીંગ કરતા અને ઈન્સ્ટોલેશન કરતા કારીગરોની સાથે બ્રાન્ડેડ એસીની અછત પણ સર્જાઈ છે.

સિરામિક ઉદ્યોગને કારણે કાયમી ગરમ રહેતા મોરબીમાં છેલ્લા એક સપ્તાહથી સૂર્ય નારાયણ દેવે આકરો મિજાજ બતાવવાનું શરૂ કરતા તાપમાનનો પારો 44 ડિગ્રી વટાવી જતા લોકો ગરમીથી રાહત મેળવવા લોકો પોતાના ઘર અને ઓફિસોમાં એસી નંખાવા લાગતા એસીની ફૂલ ડિમાન્ડ નીકળી છે.

મોરબીમાં અંદાજે 40થી વધુ એસીના વેપારીઓ છે. એક અંદાજ પ્રમાણે મોરબીમાં હાલમાં દરરોજ સેંકડોની સંખ્યામાં એસીનો ઉપાડ થાય છે. અને એટલી ડિમાન્ડ છે અને હાલ તો મોરબીમાં અમુક બ્રાન્ડનાં એસીની રીતસર શોર્ટેજ ઉભી થઇ છે.

સાંકેત ઈંડિયા કંપનીના મેનેજર વાલજીભાઇ રબારીએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં અમારે ત્યાંથી 115 જેટલા એસીનું વેચાણ થયું છે. જે ગયા સપ્તાહ કરતા 40 જેટલા વધુ છે. અન્ય એક ઇલેક્ટ્રોનિક્સના વેપારીએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં 150 જેટલા એસીનો ઉપાડ થયો છે જે ગત અઠવાડિયા કરતા 50 જેટલા વધુ છે.

જો કે, કિંમત સાથે વધુ વીજ વપરાશ કરતા એસી મધ્યમ વર્ગના લોકોને પરવડતા નથી જેથી મધ્યમ વર્ગના લોકો એર કુલર લઇ જતા હોય છે. તેમાં પણ છેલ્લા એક સપ્તાહમાં માંગમાં વધારો થયો છે. અને અમુક દુકાનોમાં તો કુલર ખરીદવા રીતસરની ભીડ જોવા મળે છે. આવી જ પરિસ્થિતિ એસી રીપેરીંગ કરતા કારીગરોની છે.

મોરબીમાં અંદાજે 200 જેટલા એર કન્ડિશર રીપેરીંગ કરતા કારીગરો છે. જે દિવસ રાત નવરા નથી થતા. આ અંગે એસી રીપેરીંગના કારીગર સચીનભાઈ વારેવાડીયાએ જણાવ્યું હતું કે અત્યારે એટલું બધું કામ છે કે શ્વાસ લેવા પણ નવરા નથી થતા. પહેલા અમે એસી રીપેરીંગ અને ઇન્સ્ટોલેશનના 5 જેટલા કામો મળતા જે હવે 10 જેટલા થઇ ગયા છે. પહેલા અમે સવારે 10 થી રાત્રે 10 સુધીમાં નવરા થઇ જતા જે હવે રાત્રે 1 વાગ્યા સુધી કામ કરીએ તો પણ ખૂટતું નથી. એટલે જેને આજે એ.સી. લીધું હોય એનું ઈન્સ્ટોલેશનનો વારો 3 દિવસે આવે છે. બીજી તરફ આગામી સપ્તાહે હજુ ગરમી વધવાની શક્યતા છે એટલે એસીની ડિમાન્ડમાં હજુ વધારો થવાની સંભાવના છે.