જમીનની જાળવણી સાથે આવી રીતે કરી શકાય બિનરાસાયણિક પદ્ધતિથી ખેતી

- text


પાકમાં વિવિધ રોગ અને કિટકોનું નિવારણ કુદરતી રીતે પણ શક્ય છે

મોરબી : હાલ ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળતા થયા છે. વિવિધ પેદાશોમાં આવી જતા રોગના વ્યવસ્થાપન માટે મુખ્યત્વે રાસાયણિક દવાઓનો અને જંતુનાશકોનો ઉપયોગ થતો હોય છે ત્યારે આવા રોગના નિવારણ અને નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ પણ અપનાવી શકાય. આવા વિવિધ પાકોમાં બિન રાસાયણિક પદ્ધતિઓ દ્વારા કેવી રીતે જમીન રોગોનું વ્યવસ્થાપન કરી શકાય તે અંગે ખેડૂતો માટે કેટલીક માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ, આ માહિતી ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ રહેશે.

આ પધ્ધતિની વિગતે વાત કરીએ તો, ઉનાળામાં હળ કે ટ્રેક્ટરની દાંતીથી આડી ઉભી ખેડ કરવી. જેથી રોગકારક ફૂગ, જીવાણું, કિટકનાં કોશેટા, ઈંડા કે કૃમિ, ઊંડી ખેડને કારણે જમીન ઉપરની સપાટીથી બહાર આવતા મે મહિનાની અસહ્ય ગરમીથી નાશ પામે તેમજ જમીનની અંદર રહેલ ફૂગને પૂરતો ઓક્સિજન ન મળવાથી નાશ પામે.

દર વર્ષે એક જ જમીનમાં એકના એક પાકનું વાવેતર ન કરતા બીજા પાકોનું વાવેતર કરવું જેથી જમીનજન્ય રોગો જેવા કે સૂકારો, મૂળનો કહોવારો, થડનો સડો, ગંઠવા કૃમિ જેવા રોગોનું વ્યવસ્થાપન થઇ શકે. મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા કપાસ, ઘઉં, મકાઇ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેરબદલી કરવાની ભલામણ છે. રોગપ્રતિકારક જાતોના વાવેતરનો આગ્રહ રાખવો. મગફળીમાં ઉગસૂક, મૂળખાઇ અને થડના કોહવારા સામે પ્રતિકારકતા માટે જીજેજી-33 જાતની ભલામણ છે.

સંપૂર્ણ કોહવાયેલ, ગળતીયા છાણીયા ખાતર, લીંબોળી તથા દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ કે મરઘાં-બતકાના ખાતરનો વપરાશ વધારવો જેથી જમીનનું પોત સુધરે તેમજ રોગમાં ઘટાડો થાય. મગફળીમાં થડના કોહવારા માટે વાવણી પહેલા દિવેલીના ખોળને 750 કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે તથા કપાસમાં જમીનજન્ય ફૂગથી થતા રોગો જેવા કે ધરૂનું મૃત્યુ, મૂળખાઈ અને સૂકારાના નિયંત્રણ માટે છાણીયું ખાતર હેક્ટરે 10 ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર 2 ટન પ્રતિ હેક્ટરે વાવેતર પહેલા જમીનમાં આપવાથી રોગોનું પ્રમાણ ઘટાડી શકાય છે.

જમીનનું સૌરીકરણ (સોઇલ સોલરાઈઝેશન) એ જમીનનું તાપમાન વધારવા માટે સૂર્યની શક્તિનો ઉપયોગ કરીને જમીન મારફતે પાકને નુકસાનકર્તા જીવાણું, કૃમિ કે કીટકના કોશેટા, ફૂગ, ફુગના બીજાણું અને નીંદણ નિયંત્રિત કરવા માટેની પર્યાવરણ અનુકૂળ બિનરાસાયણિક પદ્ધતિ છે. કોઈ પણ ધરૂવાડીયામાં અથવા ખેતરમાં એપ્રિલ-મે માસ દરમિયાન જ્યારે ખૂબ ગરમી પડતી હોય ત્યારે સૌ પ્રથમ જમીનમાંથી અગાઉના પાકના અવશેષો તથા નીંદામણ દૂર કરી પાણી આપી વરાપ થયે છાણિયું ખાતર કે કોઈપણ ખોળ ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી. ત્યારબાદ તુરંત જ ધરૂવાડીયાના કે ખેતરના કયારાના માપ પ્રમાણે 100 ગેજનું એલ.એલ.ડી.પી.ઈ.પારદર્શક પ્લાસ્ટિક જમીન પર પાથરી ચારે બાજુથી ચુસ્ત રહે તે રીતે માટીથી પ્લાસ્ટિકની ધારને જમીનમાં દબાવી ઢાંકવું. આમ 15 દિવસ સુધી તેને પશુ કે માણસોથી નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે પ્લાસ્ટિકને હવાચુસ્ત રાખવાથી અંદરના ભેજની વરાળ થઈ પાણીની પરપોટીઓ પ્લાસ્ટિકની અંદરની બાજુએ જામી જશે જે તાપમાન વધારવામાં મદદરૂપ થશે. 15 દિવસ પછી પ્લાસ્ટિક સાવચેતીપૂર્વક કાઢી લેવું અને બીજી જગ્યાએ અથવા બીજા વર્ષે વાપરવા માટે સાફ કરીને વ્યવસ્થિત જગ્યામાં મૂકી રાખવું ત્યારબાદ જે પાકનું ધરૂવાડીયું નાખવાનું હોય કે વાવણી કરવાની હોય તેની ભલામણ અનુસાર જમીન તૈયાર કરી વાવણી કરવી.

- text

જે તે પાકમાં રોગને ધ્યાનમાં રાખી પિયતના પાણીનું નિયમન કરવું. દિવેલા, તમાકુ, કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો મૂળખાઈ રોગની તિવ્રતા જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં વધુ હોય છે. આવા કિસ્સામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે.

જમીન જન્ય ફૂગથી થતા રોગ (ઉગસૂક,સૂકારો,ધરૂનો કોહવારો, થડનો કોહવારો, મૂળનો કોહવારો) અને કેટલાક બીજજન્ય રોગોના અટકાયત માટે જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાયકોડર્મા વીરીડી, ટ્રાયકોડર્મા હરજીયાનમ, શ્યુડોમોનાસ ફ્લુરેસેન્સનો ઉપયોગ (8 થી 10 ગ્રામ/કિ.ગ્રા. બીજ) કરવો. ઘણા રોગકારકો જમીનમાં રહેતા હોઇ તેના નિયંત્રણ માટે 1 કિ.ગ્રા. ટ્રાયકોડર્માને 10 કિ.ગ્રા. છાણિયા ખાતરમાં ભેળવી અને વિકસવા દેવું. આવુ તૈયાર કરેલ 10 કિ.ગ્રા. છાણિયું ખાતર 100 કિ.ગ્રા. બીજા છાણિયાં ખાતરમાં ભેળવીને જમીનમાં આપવાથી જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરી શકાય છે.

મગફળીમાં થડનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે 5 કિ.ગ્રા ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વીરીડી 250 કિ. ગ્રા. દિવેલી/રાયડાના ખોળ સાથે ભેળવીને વાવતા પહેલા ચાસમાં આપવું અથવા ટ્રાયકોડર્મા 5 કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે માટી સાથે ભેળવી ચાસમાં આપવું.

દિવેલામાં સૂકારો તેમજ મૂળનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ 5 કિ.ગ્રા.ને 500 કિ.ગ્રા. રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવું. તુવેરમાં સૂકારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ 8 થી 10 ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બિયારણ પ્રમાણે પટ આપવો તેમજ છાણિયાં ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાયકોડર્મા 200 ગ્રામ પ્રતિ મીટર પ્રમાણે ચાસમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરી શકાય છે.

- text