GIDC માટે બોગસ માપણીસીટ બનાવ્યાના આક્ષેપ સાથે પાનેલી અને જાબુંડિયાના ગ્રામજનોનો તંત્ર સામે મોરચો

- text


બે રોડ, એક તળાવ અને ગામતળ ગાયબ, વરસાદી પાણીનો નિકાલ બંધ, વીડીની જમીનને ખરાબો ગણાવ્યો : GIDCને જમીન સોંપવા અનેક ગોટાળા થયાની રાવ સાથે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને કરી રજુઆત

મોરબી : મોરબી પંથકમાં GIDC માટે બોગસ માપણીસીટ બનાવ્યાના આક્ષેપ સાથે પાનેલી અને જાબુંડિયાના ગ્રામજનોનો તંત્ર સામે મોરચો માંડ્યો છે. બે રોડ અને એક તળાવ ગાયબ કરી તેમજ વરસાદી પાણીનો નિકાલ બંધ કરી દેવાયો હોવાની રાવ સાથે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે.

આ મામલે ગામના આગેવાન ગૌતમભાઈ હડિયલે જણાવ્યું કે જીઆઇડીસીને ઔદ્યોગિક વસાહત બનાવવા માટે તંત્ર દ્વારા પાનેલીની 140 પૈકી 2 અને જાબુંડીયાની 146 પૈકીની જમીન આપવામાં આવી છે. આ જમીન બોગસ માપણી સીટને આધારે અપાઈ છે. જેથી બન્ને ગ્રામજનોએ તેની સામે વિરોધનો સુર ઉઠાવ્યો છે.

તેઓએ ઉમેર્યું કે ડીઆઈએલઆર દ્વારા ટિપ્પણના વિરુદ્ધ માપણી સીટ બનાવવામાં આવી છે. જેમાં પાણીનો નિકાલ બંધ થઈ જાય છે. ઉપરાંત પાનેલી- જાબુંડીયા – શોભેશ્વર અને પાનેલી – ઘુટુ – લખધીરપુર આ બે રાજાશાહી વખતના રસ્તાઓ માપણી સીટમાં દર્શાવ્યા જ નથી. ખાનગી ખેતર જે કેટલ બ્રિડિંગ ફાર્મ માટે આપવામાં આવ્યા હતા. હવે તે નિગમ બંધ થઈ ગયુ છે જેથી ખેડૂતને જમીન પરત ન આપવી પડે એટલે આ જમીન પણ માપણી સીટમાં બતાવી દેવામાં આવી છે.

પાનેલીનું ગામતળ 1993માં મંજુર થયું હતું. તે પણ જીઆઇડીસીમાં બતાવી દીધું છે. ગામ નાનુમા નં.1 અને 6માં જાબુંડિયાના પશુધનના ચારા માટે વીડી તરીકે જે જમીન હતી. તેને ખરાબો દર્શાવી જીઆઇડીસીને આપી દેવામાં આવી છે. પાનેલીનું તળાવ પણ માપણી સીટમાં બતાવવામાં આવ્યું નથી. જો તળાવ બતાવવામાં આવે તો નિયમ મુજબ ઉદ્યોગોએ 100 મીટર ત્રીજીયા છોડવી પડે. પણ આ જગ્યા છોડવી ન પડે અને તળાવમાં વેસ્ટેજ ઠાલવી શકાય તે માટે તળાવ જ માપણી સીટમાં ગાયબ કરી નાખવામાં આવ્યું છે.

- text

અંતમાં તેઓએ ઉમેર્યું કે આ જીઆઇડીસી સામે બન્ને ગ્રામજનોનો વિરોધ છે. અહીં હાલ કામ ચાલુ છે. જેમાં જમીનમાં બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેથી ગામના ઘરોને નુક્સાનીની ભીતિ છે. સાથે ભવિષ્યમાં ઉદ્યોગો અહીં આવશે અને કેમિકલ છોડશે તો અહીંની ખેતી પણ જોખમમાં મુકાઈ જશે.

- text