- text
ભક્તિનગર સર્કલ નજીક ચારેક બેનર ફાડી નખાયા બાદ રેલીના રૂટ ઉપર અનેક હોર્ડિંગ્સમાં રૂપાલાના ચહેરાને કાળો કરાયો, પોલીસ દોડી
મોરબી : ક્ષત્રિય સમાજ વિષે ઘસાતી ટિપ્પણી કરનાર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે દિવસે =દિવસે રોષ ઘેરો બની રહ્યો છે ત્યારે આજે સોમવારે મોરબીમાં રૂપાલાના શક્તિપ્રદર્શન પૂર્વે જ ગતરાત્રીના ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજના સર્વિસ રોડ નજીક લગાવાયેલ ચારેક હૉર્ડિંગ્સ ફાડી નાખવામાં આવ્યા હતા, બીજી તરફ મોરબીમાં રૂપાલા જે રૂટ ઉપરથી પસાર થનાર છે તે રૂટ ઉપર લગાવાયેલ અનેક હોર્ડિંગ્સ બેનરો ઉપર અજાણ્યા ઈસમોએ કાળી શાહી ફેંકી રૂપાલા સામે રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, ઘટનાની જાણ થતા જ તુરત પોલીસ દોડી આઈ હતી અને છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા તમામ બેનરો બદલવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજે સોમવારે સાંજના સમયે મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પ્રચાર માટે આવી રહ્યા છે. જેને પગલે ભાજપ દ્વારા આજે મોરબીમાં ભવ્ય મહારેલી અને મહાસભાનું આયોજન ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. બીજી તરફ રૂપાલાના આગમન પહેલા જ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે અને મોરબીના ઉમિયા સર્કલ પાસે રૂપાલાના સ્વાગતમાં લગાવેલા વિશાળ કદના બેનરમાં રૂપાલાના ફોટો પર શાહી લગાવવામાં આવી છે. જો કે, આ મહાકાય હોર્ડિંગ્સમાં રૂપાલા સાથે મોદીનો પણ ફોટો છે પરંતુ કાળી શાહી માત્રને માત્ર રૂપાલાના ફોટો ઉપર લગાવવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી શહેરના શનાળા રોડ ઉપર એક્ટિવામાં આવેલા 6 જેટલા લોકોએ મહારેલીના રૂટ પર લગાવેલા બેનરોમાં શાહી લગાવીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો. હાલ પોલીસ પ્રશાસન અને ભાજપની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને ભાજપ દ્વારા શાહીવાળા બેનરો ઉતારીને નવા બેનરો લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. બીજી તરફ ગઈકાલે રાત્રે મોરબીના ભક્તિનગર ઓવરબ્રિજના સર્વિસ રોડમાં મુકવામાં આવેલા ચાર જેટલા હોર્ડિંગ્સ કોઈ અજાણ્યા ઈસમોએ ફાડી નાખ્યાનું સામે આવ્યું છે. આમ, મોરબીમાં રૂપાલાના આગમન પહેલા જ વિરોધ શરૂ થતા તંત્ર એલર્ટ બન્યું છે.
- text
- text