ડો. સી. વી. રામન એ નાનપણમાં જ નકકી કર્યુ હતું કે વિજ્ઞાનને જ જીવનનું લક્ષ્‍ય બનાવીશ.

- text


નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સી. વી. રામનની યાદમાં ઉજવાતો રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ

મોરબી : ટચૂકડા મોબાઇલ ફોન કે લેપટોપને ઈન્ટરનેટ મારફતે જોડીને ઘરમાં બેસીને દુનિયાના કોઇ પણ ખૂણે રહેતા સ્વજન સાથે વાત કરતી વખતે કે નેટ બેંન્કિંગ મારફતે ઓનલાઈન ખરીદી કરતી વખતે કે ભવિષ્યમાં થનારા સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની માહિતી વિષે અખબારોમાં વાંચતી વખતે કયારેય આપણને વિજ્ઞાનનું મહત્વ સમજાયું છે ખરૂ ? આપણો જવાબ હશે “ના”, રોજિંદા જીવનમાં વણાઇ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર દેશમાં ર૮ ફેબ્રુઆરીને “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

૨૮ મી ફેબ્રુઆરી, ૧૯૨૮માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટરામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રકિયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધને તેમના નામ પરથી ‘રામન ઈફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૩૦માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. સમસ્‍ત એશિયામાં આ પુરસ્‍કાર સર્વપ્રથમ પ્રાપ્‍ત કરવાનો યશ ડો. સી.વી. રામનને ફાળે જાય છે.ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્‍કાર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી સરકાર દ્વારા દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે.

- text

ડો. ચંદ્રશેખર વેંકટરામનનો જન્‍મ ૭મી નવેમ્‍બર, ૧૮૮૮માં તામિલનાડુમાં ત્રિચિનાપલ્‍લી પાસે થિરૂવનાઇકકાવલ ગામમાં થયો હતો. નાનપણથી જ વિજ્ઞાન પ્રત્‍યે વિશેષ રુચિ હોવાથી એમણે નકકી કર્યુ હતુ કે, જીવનનું લક્ષ્‍ય વિજ્ઞાનને જ બનાવીશ. વિજ્ઞાનની શોધો કરવાનું તેમનું મુખ્‍ય લક્ષ્‍ય હતું. વિજ્ઞાનની રૂચિને કારણે તેમણે સંશોધન અર્થે કલકત્તા વિશ્‍વ વિદ્યાલયમાં પ્રોફેસરની નોકરીમાંથી રાજીનામું આપી સંપુર્ણ સમય વિજ્ઞાનને સમર્પિત કર્યો. તેમના લગભગ ૭૦૦૦ જેટલા શોધ નિબંધો અને સંશોધનો તથા અનેક પુસ્‍તકો પ્રકાશિત થયા છે.

લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા વિજ્ઞાનના મહત્વ વિશે સંદેશ ફેલાવવા તેમજ મહત્તમ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને દ્રષ્ટિકોણ કેળવાય, ભારતમાં માનવ કલ્યાણ માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં થતી તમામ પ્રવૃત્તિઓ, પ્રયાસો અને સિદ્ધિઓ આ દિવસે પ્રદર્શિત કરવામાં આવે છે. “નેશનલ સાયન્સ ડે” ના દિવસે વિવિધ શાળાઓ, કોલેજો તથા યુનિવર્સિટીઓમાં વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટસનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રેડીયો-ટીવી પર વિવિધ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવે છે તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વિજ્ઞાનને લગતી ચર્ચાઓ, સાયન્સ ક્વિઝ, સાયન્સ મુવીઝ વગેરેનું ૫ણ નિદર્શન કરવામાં આવે છે.

- text